પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૦૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૯૦ : તુલસી-ક્યારો


અપાવે છે કે નહિ ! માત્ર હું કહું તેમ કરતી આવજે. મારી બાજી બગાડતી નહિ બાપુ!'

કશો જવાબ વાળ્યા વગર ઊઠીને કંચન કમ્પાર્ટમેન્ટની બંધ બારીઓ ઉઘાડવા લાગી. એના શરીરમાં સ્પષ્ટ અકળામણ હતી.

'પણ આ તો શિયાળાનો પવન સૂસવે છે, તું બારી ઉઘાડે છે શામાટે ?' ભાસ્કરે પોતાના મોં આડા હાથ દઇ પવનને રોકતાં રોકતાં ચીડ બતાવી,

'મને ગરમી થાય છે.'

રેલવેના બીજા મુસાફરો આ ઊતરતા પોષમહિનાની ટાઢમાં ગરમી અનુભવતી સ્ત્રીને કૌતુકભર જોઇ રહ્યાં. કંચન બારી ઉપર જ ઊભી થઇ રહી. કમભાગ્યે ઘઉંના લીલા મોલ મોટા થઈ ગયા હતા, ને તેના ક્યારામાં જબ્બર સારસ પંખીઓની જોડીઓ ફરતી ફરતી ચણતી હતી. કંચનની એ વખતની મનોદશાને માટે આ દૃશ્યો અનુકૂળ નહોતાં.

મને તો આશ્ચર્ય થાય છે કંચન!' ભાસ્કર ધીમે અવાજે કહેવા લાગ્યો; 'કે તારો જીવ એ જૂના સંસારની સાડીઓમાં ને દરદાગીનામાં કેમ પરોવાઇ રહ્યો છે ! હજુ તો કાલે જ તું સ્ત્રીઓમાં ભાષણ કરતી હતી કે સ્ત્રીજાતિની ગુલામબુદ્ધિનું કારણ જ આ ઘરેણાં ને લૂગડાંની લાલસા છે.'

ભાસ્કર કશો જવાબ ન મેળવી શક્યો . કંચન જેવી શિક્ષિતા ને પ્રાણવંત સ્ત્રી ઘરેણાં લૂગડાંમાં મોહાઈ રહે એ એનું આશ્ચર્ય જૂઠું જ હતું એ કંચનને ખબર હતી: શણગાર કરીને સાથે બેસતી કંચન ભાસ્કરને ગમતી હતી. ને 'જુઓ, આ કેવું લાગે છે?' એમ પોતે