લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'ચાલો અમદાવાદ' : ૧૯૧


પૂછતી તે ભાસ્કરને બહુ ગમતું. નહોતું ગમતું ફક્ત ત્યારે જ કે જ્યારે કંચન શણગારો કરીને બીજા કોઇ લોકો જોડે ફરવા નીકળતી. ત્યારે ભાસ્કર બોલી ઊઠતો કે ' આ વધુ પડતા ઠાઠમાઠ લોકોની નજરમાં ખૂંચતા હશે હો કંચન !' પણ ભાસ્કરને ખબર હતી કે સભાઓમાં પોણા ભાગનાં લોકો કંચનની વેશભૂષણની છટા પર જ લટુ થઈને આવતાં હતાં. એટલું જ નહિ પણ કેટલાંય ગામોમાં તો કંચન જોડે પરિચિત થઇ જનારાં કુટુંબો કંચનને પોતાનાં ઘરેણાં-વસ્ત્રોથી શણગારવાનો શોખ કરતાં. સારાં શહેરોના 'સ્ટોલ' પર જઇને વસ્તુઓ પસંદ કરી કારવીને તેનાં બંડલો લઈ પગથિયાં ઊતરતી કંચન પોતાની જોડેના કોઇ ને કોઇ સાથીને કહી દેતી કે 'એને જરા પૈસા ચૂક્વી દેજો ને, હું પછી આપી દઈશ.' પછી કોની મગદૂર હતી કે આનાકાની કરી શકે! એથી ઊલટું એ સાથી આવી તક મળવા બદ્દલ પોતાને બડભાગી માની પૈસા ત્યાં ને ત્યાં ચૂકવી દેતો.

થોડાક જ મહિનાના આવા જીવનનો કંચનને થાક લાગ્યો હતો તે સત્ય હતું. ભાસ્કરને એ સત્ય દેખાયું નહિ. ભાસ્કરનો માનેલો સાડીઓનો શોખ નહો પણ બનાવટીપણાનો થાક જ પોતાને અમદાવાદ તરફ લઇ જતો હતો. એમ કંચન માનતી હતી. કંચન અને ભાસ્કર બેઉ જ જૂઠાં હતા. કંચનના હૃદયમાં જે સળગી રહ્યો હતો તે તો વીરસુત પરનો રોષ હતો. વીરસુત 'ગોઠવાઈ ગયો!' એ શબ્દો ભાસ્કરના હતા. એ શબ્દો બોલી ભાસ્કરે કંચનના હૈયામાં ઇર્ષ્યાનો હુતાશન ચેતવ્યો હતો. 'વીરસુત ગોઠવાઈ ગયો! એ ગોઠવાઈ જ કેમ શકે ? એ તો અસહ્ય છે ! અક્ષમ્ય છે ! મારા પ્રત્યે આચરેલા અન્યાયો ઉપરવટની આ તો કિન્નાખોરી છે ! ચોરી માથે શિરજોરી છે. મને બાળી ખાખ કરવાની જ આ તો બાજી છે ! એણે જે આચરણ કર્યું છે તેથી તો લજ્જિત બનીને