પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ક્યાં ગઈ પ્રતિભા ! : ૧૯૫


ભાસ્કરને ઘેર જ સંઘરાઈ અને ભાસ્કરે પોતાને માટે બીજે રહેવાની ગોઠવણ કરી.

સ્નેહી પુરુષો એને ત્યાં આવીને મળી જતા, ખબર કાઢી જતા, જોતું કરતું આપી પણ જતા; ને રમાનો વર, લલિતાનો વર, મંગળાગૌરીનો વર, નેનીનો વર, પ્રત્યેક ત્યાંથી ઊઠીને જતી વેળા એક વાત 'By the by' કહી લેતા કે 'હું આંહીં આવું છું તે રમાને કહેવાની જરૂર નથી' 'લલિતાને કહેવા જરૂર નથી' 'મંગળાને...' 'નેનીને કહેવા જરૂર નથી.'

આવનારો પ્રત્યેક પરણેલ પુરુષ ફફડતો હતો, કેમ કે કંચનને કશું મદદ કરવાપણું હોય જ નહિ અને હોય તો તે મદદ સ્ત્રીઓએ જ કરવાની હોય એવું એ પ્રત્યેકની પત્ની મક્કમપણે માનતી. એવું એ પત્નીઓ માનતી તેમાં તેમની માન્યતાનો દોષ નહોતો. દોષ હતો કંચનની મુખ-મુદ્રામાં મઢેલી મોહભરી બે આંખોનો. ભાસ્કરે રડાવી રડાવી નીચોવી નાખેલી છતાં પણ એ આંખોમાં ઝલકતું જાદુ અખંડિત હતું. કંચનનું સ્ત્રીત્વ એટલાં ઊંડાં મૂળિયાં વડે એના દેહમાં બાઝેલું હતું કે એના જીવનનો આવો પ્રચંડ પ્રકમ્પ પણ એને ઉખેડી શક્યો નહોતો. પુરુષોનાં કાર્યો કરવા લાગતી સ્ત્રીઓના કંઠ બદલી જાય છે, લાવણ્ય લુછાઇ જાય છે, આંખો પણ નૂર અને નમણાઈ હારી બેસે છે એ ખરૂં, પણ કંચન તો કંચન જ રહી હતી. આઠ દસ મહિનાની ક્રાંતિદશા એના નારીત્વનો નાશ કરી મરદાઇનો એક પણ મરોડ એને આપી શકી નહોતી.

એટલે જ પરણેલી સ્ત્રીઓને પોતાના ઘરસંસારમાં એની હાજરી ચિંતાજનક લાગતી હતી. કંચન એમને ખપ્પરજોગણી જેવી દેખાતી. પુરુષોને ભરખી જવાની ગુપ્ત શક્તિ એ ધરાવતી હતી એમ માનનારી સ્ત્રીઓ, કંચન જ્યારે પોતાને ઘેર આવે ત્યારે