પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૯૬ : તુલસી-ક્યારો


પતિઓને કાં નહાવા, કાં ખાવા, કાં બહાર કશુંક ખરીદ કરવા વિદાય કરી દેતી.

પણ કંચનની તો કસ્તુરી-મૃગ જેવી દશા હતી. એને ખબર જ નહોતી કે પોતાની પાસે મોહિની છે. એ મોહનાસ્ત્રથી પરપુરુષોનો વિજય કરવા પણ નીકળી નહોતી. એનો સંગ્રામ જુદો જ હતો. એને વિષે જે મોટી મોટી માન્યતાઓ બાંધવામાં આવી હતી તેને તે સાચી પાડી બતાવી ન શકી. આઠ જ દિવસમાં એણે સ્ત્રીસેવાસંઘે સોંપેલાં સાત કામ બદલ્યાં, એક પણ કામ એને માફક ન આવ્યું ને દરેક કામ પર એ નાની મોટી ભૂલો કરી બેઠી.

'બસ, મને તો ખાનપુરના લતામાં જ નવું બાલમંદિર ખોલી આપો.'

એ કંચનની હઠ હતી અને બાલમંદિર ચલાવવાને માટે પોતાનામાં જે ગુણો છે તેનાથી વધુ લાયકાત હોવી જોઇએ એમ પોતે માનતી નહિ. વાત પણ ખરી હતી. વિધવા હોવું, ત્યક્તા હોવું કે ભાગેડુ હોવું, એ પ્રત્યેક સ્ત્રીને માટે બાલમંદિર ચલાવવાની ગનીમત લાયકાત ગણાતી.

પણ ખાનપુરનું બાલમંદિર તો ખોલી શકાયું નહિ, ને કંચનને છેવટે નિરુપાયે મજૂર-લત્તાની સંસ્થા ઉપર સંચાલક નિમાવું પડ્યું. આ નિમણૂક કરતી વેળા સ્ત્રીસેવાસંઘના સંચાલકો બબડતા તો હતા જ કે 'નહિ ચાલી શકે !' 'કોણ જાણે ક્યાં ચાલી ગઈ એની પ્રતિભા !' 'પોતાને વિષે ઘણું વધુ પડતું માની બેઠેલ છે !' વગેરે.

'એ તો તમારી આખી જાતિનો જ ગુણ છે ને !' એક પુરુષ સંચાલકે ટોંણો મારી લીધો હતો, ને પરિણામે ત્યાં મોટો ટંટો મચી ગયો હતો. આખર એ પુરુષને માફી માગવી પડી હતી.