પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ક્યાં ગઈ પ્રતિભા ! : ૧૯૭


મજૂર બાળકોની શાળા ચલાવવાનું બહાનું કંચનના સંતપ્ત આત્માને ઝાઝા દિવસ ઠેકાણે રાખી શક્યું નહિ. એની બુદ્ધિહીનતા જોતજોતામાં ઉઘાડી પડી ગઈ. એની સાથે કામ કરતો સ્ટાફ એની મશ્કરીઓ કરતો થઇ ગયો. ઘણો ખરો સમય એ ટેલીફોન પર જ કાઢવા લાગી. એ આને ટેલીફોન કરતી ને તેને ટેલીફોન કરતી. એ કોઈ સ્નેહીને 'કાર' લઇને આવવા કહેતી ને કોઇને ટેલીફોનમાં પોતાની અગવડો તેમ જ માનભંગ સ્થિતિનાં રોદણાં સંભળાવતી. એ બધાં રોદણાંનું ધ્રુવપદ આ હતું કે 'જો મને પહેલેથી આવી ખબર હોત તો...'

વાક્ય અધૂરૂં મૂકીને એ ટેલીફોનનું રિસીવર પછાડતી ને કોઇ કોઇ વાર જ્યારે એ વાક્ય અધૂરૂં મૂક્યા પછી રિસીવર કાને ઝાલી રાખતી ત્યારે સામી વ્યક્તિનો બોલ સંભળાતો : 'કેમ જાણે અમારા વાસ્તે જ બાએ ઘર છોડ્યું હોય !...આવી ખબર હોત તો...'

એટલું બોલીને સામી વ્યક્તિ રિસીવર છોડી દેતી ને આંહીં રિસીવર પકડી રાખીને પલભર સ્તબ્ધ બની બેસી રહેતી કંચનની આંખોમાં છલછલ પાણી ઉભરાઇ આવતાં. જલદી જલદી એ આંસુ લૂછી લેતી, કેમ કે પોતાનાં સાથીઓની નજરે એણે પોતાની છેલ્લી નબળાઈ -આ આંસુ- હજુ નહોતી ચડવા દીધી. અત્યાર સુધી એનાં સાથીઓ તથા નોકરો ટેલીફોન પરથી પાછા આવતા એના લાલ લાલ ધગેલા ચહેરાનો ને એની સોઝી ગયેલી આંખોનો જ તમાશો જોવાની રાહ જોઇ બેસતા.

એક દિવસ એણે રિસીવર ઉપાડી નંબરનું ચક્ર ફેરવવા માંડ્યું. પ્રત્યેક આંકડાના ઘુમરડા સાથે આંગળી ઝણેણાટ અનુભવી રહી. છેલ્લો આંકડો ઘૂમી રહ્યો ત્યારે ઝણેણાટ વધ્યો. કાનમાં શબ્દ પડ્યો :