પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૯૬ : તુલસી-ક્યારો

'આ...લા...વ-કોણ છો ? કોનું કામ છે ?' એ અવાજ કૉલેજના બુઢ્ઢા પટાવાળા કરરુણાજીનો હતો. કંચને પૂછ્યું-

'પ્રોફેસર વીરસુત છે કે નહિ કરણાજી !'

'કરણાજી' એ પરિચિત શબ્દ બોલ્યા પછી એને પોતાની ભૂલ જડી. કરણાજી કૉલેજના પટાવાળાઓનો બુઢ્ઢો જમાદાર, જે આઠ મહિના થયાં આ કંઠનો સમાગમ હારી બેઠો હતો, તેને ઓચીંતો આ પરિચિત સ્વરનો સંપર્ક થયો, કરણાજીનું નામ ટેલીફોનમાં બીજું કોઈ પ્રોફેસર-કુટુંબ કદી લેતું નહિ.

'હા બા !' કરણાજીએ ઝટ ઝટ કહ્યું : 'ઊભાં રહો, બોલાવી લાવું છું.'

કરણાજી દોડતો પ્રોફેસરોના ઓરડામાં ગયો. વીરસુત ત્યાં નહોતો. કરણાજી રોજની રસમ છોડીને વીરસુત જે વર્ગ લેતો હતો ત્યાં ધસ્યો. વીરસુતને શ્વાસભેર ધીરે રહીને કહ્યું, 'ટેલીફોન છે.'

'પછી.' વીરસુતે કરડું મોં કરીને કહી દીધું.

'જરૂરી ટેલીફોન છે.' કરણાજીએ તાકીદ કરી.

વીરસુત દોડાદોડ ટેલીફોન પર આવ્યો ને રિસીવર લઇ ઘણું ઘણું 'અલાવ' અલાવ' પુકાર્યું, પણ સામે કોઇએ જવાબ દીધો નહિ.

'કોણ હતું કરણાજી ?' વીરસુત ચિંતાતુર સ્વરે પૂછતો હતો.

'સાહેબ !' કરણાજી સ્પષ્ટ કરવા મથ્યો, 'મારું નામ કોઇ બીજું કદી ટેલીફોનમાં લેતું નથી. કોણ જાણે કેમ થયું. લાઇન કપાઇ ગઈ......પણ સાહેબ હું જૂઠું નથી બોલતો. મેં કાનોકાન સાંભળ્યું; ને મારી આંખે ભલે ઝાંખપ આવી, મારા કાન તો ઠાકરની દયાથી એવા ને એવા સરવા છે.'