પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ક્યાં ગઈ પ્રતિભા ! : ૧૯૯


'અરે ઘેલા !' પ્રો. વીરસુત હસ્યા : 'તને મેં એ ક્યાં પૂછ્યું છે ? હું તો પૂછું છું કે ફોન કોનો, ઘેરથી કોઈનો હતો ?'

'ઘેરથી જ હતો સાહેબ ! એજ ગળું. મેં ભૂલ નથી ખાધી સાહેબ !'

વીરસુતે પોતાના બંગલાની નજીક એક શેઠ કુટુંબનો ફોન હતો ત્યાં જોડીને ઘેરથી કોઈકને તેડાવવા કહ્યું. દેવુ તો નિશાળે ગયેલો ને દાદજી સૂતેલા એટલે ભદ્રા ભાભી ફોન પર આવ્યાં. કોઇ કોઇ વાર વીરસુત કહાવતો ત્યારે એ આવતી, ને એ આવતી તે બંગલાવાસી સ્ત્રીપુરુષોને ગમતું.

'હાં...કોણ, ભૈ ?' ભદ્રાએ કશી શહેરી છટા વગર, તેમ જ કશી ગ્રામ્ય જડતા કે બનાવટી સંકોચ વગર સ્વાભાવિક લહેકે જ રિસીવર કાને માંડીને જવાબો વાળ્યા.

'ના ભૈ ! અમે કોઇએ તો ફોન કરેલો નથી...ના ભૈ-અંઈ તો કોઈ આજે આવેલું પણ નથી...નારે ના ભૈ ! એવું તે હોય કંઇ ભૈ !...કશું મનમાં ન રાખજો ભૈ ! ...કશું મનમાં ન રાખજો ભૈ ! ...અરે એમ કંઈ હોય ભૈ. અંઇ આવે તો હું ન બેસારું એમ કંઇ બને કે ભૈ !...ના, ના, ના ભૈ ! એવો રોષ ના રાખીએ... ના મારા ભૈ ! પોતાનું ઘર છે, પોતાનો વિસામો છે, ન આવે તો ક્યાં જાય મનુષ્ય ?...સારૂં ભૈ, વેળાસર આવજો !'

રિસીવર પાછું મૂકવાની છટા માણસે માણસે જુદી હોય છે. કોઇ જોરથી પડતું મૂકે છે, કોઇ હીરામાણેકનું ઘરેણું હોય તેવી કાળજીથી મૂકે છે, કોઇ વળી ટેલીફોન કંપની પર ઉપકાર કરતા હોય તેવા તોરથી મૂકે છે, તો કોઇ પ્રણયી કેમ જાણે પોતાનું પ્રેમીજન સામે