પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૧૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૦૦ : તુલસી-ક્યારો


જોતું હોય તેના દિલ પર સારી છાપ પડે તેવી અદાથી મૂકે છે. મૂકવાની રીત પરથી માણસો વચ્ચે થયેલી વાતચીતનો પ્રકાર ને માણસના મિજાજનાં પરિવર્તનો અનુમાની શકાય છે. ને વાતો ચાલી રહી હોય તે વખતના મોં પરના હાવભાવ ને હાથપગની ચેષ્ટાઓમાં તો માણસનું સ્વરૂપ અવનવી વિચિત્રતાઓ બતાવતું હોય છે.

બંગલાવાસી ટેલીફોન કરતી વખતે ભદ્રાને અજબ રસથી નિહાળી રહ્યા હતા; ને ભદ્રાની મુખમુદ્રા પર સ્થિર ગતિ ને અખંડ ધારે રેલ્યે જતા ભાવ-રંગો એક સ્વસ્થ આત્માની કથા કહી રહ્યા હતા. બંગલાવાસીઓનાં હૃદયોને અકલિત ખેંચાણ કરતી ભદ્રા ઘેર ચાલી ગઇ, કૉલેજના ફોન પરથી ઊઠીને વીરસુત કરણાજી ડોસા સામે કંટાળાની નજર નાખતો વર્ગમાં ચાલ્યો ગયો, ને ભોંઠો પડેલો કરણાજી પોતાનું નામ દઇને બોલાવનાર એ નારી-કંઠના નવા 'કૉલ'ની આશા સેવતો ત્યાં ને ત્યાં ઊભો થઇ રહ્યો.

પણ કંચને આકૂળવ્યાકૂળ બનીને છોડી દીધેલું રિસીવર ફરી વાર તે દિવસે ઉપાડ્યું નહિ. મજૂરશાળાથી ઘોડાગાડી ભાડે કરીને ઘેર જતી કંચન થડક થડક હૈયે કલ્પના કરતી હતી કે વીરસુત સામે ફોનમાં આવ્યો હોત તો શું થાત ! પોતે શું પૂછત ? શું બોલત ? કઇ વાત કરત ? સાડીઓની ને પોલકાંની ? 'મારાં કપડાં ને મારી ચીજો કેમ બગાડવા આપો છો ?' એવા પ્રશ્નના જવાબમાં એને અપમાન સાંભળવું પડત તો ? અપમાન કર્યા વગર એ રહેત ખરો ? અત્યારે તો એની વારી છે ! એનું ઘર ભર્યું છે ! એને હવે કોની પરવા છે ! એને તો ભદ્રા જેવી.....'

એટલા વિચારે એણે ઘોડાગાડીમાં બેઠે બેઠે દાંત ભીંસ્યા ને એના મનમાં ઉચ્ચાર થયો, 'હું તો બધી બાજુથી લટકી પડી.'