પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૦૮ : તુલસી-ક્યારો


ડોસાએ માથું હલાવ્યું ને કહ્યું 'મારો આ પૌત્ર છે. અમે દેશમાં હતા, દીકરાએ આગ્રહ કરી આંહીં આણ્યાં. મારો દેવુ સાઇકલે ચડી સ્કૂલે જતો. ભૂલ કરે તેવો તો નહોતો. હરિ જાણે શું થયું ?'

'પેલાં બેનને બધી ખબર છે. એ સાથે જ હતાં. આપ હવે બહાર બેસો. હું ઓપરેશન શરૂ કરૂં છું, ફિકર ન કરશો. આપ કેટલા પ્રશાન્ત છો ! બીજા હોત તો દરવાજેથી રોકકળ કરતા આવત, બ્રેવ મેન !'

ડોસાનું માથું નીચે ઢળ્યું હતું એટલે એની પાંપણો પલળેલી હતી તે કોઇને દેખાયું નહિ. એ બહાર નીકળી ગયા. ઘડીક એણે સીસમની લાકડી પર ટેકો લઈ આંખો બીડી રાખી. પછી એણે પોતાની જમણી બાજુએ મોં અદીઠ રાખીને ઊભેલી કંચન તરફ જોયું.

ઘરમાં કંચનનો ચહેરો કદી જોયો નહોતો. જોયો હતો ફક્ત ગુજરાતના પેલા ગામની જાહેરસભાના વ્યાસપીઠ પર. પણ સભાસ્થાનોમાં દીઠેલા ચહેરાનાં દમામ અને દીપ્તિ ઔર હોય છે.વ્યાસપીઠો વામનોને ને વેંતીઆંને વિરાટરૂપે બતાવી જનતાની આંખોમાં જાદુ આંજતાં હોય છે. બુઢ્ઢાની યાદદાસ્તમાં કેટલાક અસ્પષ્ટ સળવળાટો થયા પણ એ યાદદાસ્તના સ્ક્રૂને બુઢ્ઢાપાએ તેમ જ કૌટુંબિક દુઃખોએ કંઇક ઢીલા પાડ્યા હતા. એણે બીતે બીતે, શરમાતે શરમાતે, ઉપકારભાવ દાખવતા શબ્દોમાં કહ્યું 'આને આંહી તમે લઈ આવ્યાં બાપા ! તમારું કલ્યાણ થજો બેટા ! ક્યાંથી ઊંચક્યો ? કેમ કરતાં પડી ગયો ? તમારી કૃપા થઈ બાઈ !'

સસરાના આ શબ્દોમાં કંચનને વ્યંગ લાગ્યો. સસરાએ પોતાને ઓળખી નથી, સસરા કેવળ ત્રાહિત ભાવે જ આ આભાર માની રહેલ છે, એ કંચન શાની સમજે ? એણે પોતાનું મોં વિશેષ પાછળ ફેરવી લીધું ને ભાંગ્યાં તૂટ્યાં વેણ ઉચ્ચાર્યાં :'કાળુપુર પાસે, મારી ગાડી ને