પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૨૨ : તુલસી-ક્યારો


પંખીડાંને પાણી પીવા માટે તો ચોગાનમાં નળની આખી કૂંડી ભરેલી રહેતી, છતાં આ નાનાં કૂંડાં લટકાવવાનો શોખ કોનો હતો ? ભદ્રાનો જ હોવો જોઈએ.

સૂડાઓ ને કાબરોએ જે ચાવળી વાણી કાઢીને માથાં ઉલાળ્યાં તે ભાસ્કરને ગમ્યાં નહિ. એને છાત્રાલયની છોકરીઓએ ખીજે બાળ્યો હતો તેનો રોષ હજુ શમ્યો નહોતો. કાબરો પણ જાણે એના ઉપર જ કશોક કટાક્ષ કરતી હતી. જુવાન છોકરીઓ અને કાબરો એની કલ્પનામાં એકરૂપ બની ગયાં. ને એને લાગ્યું કે આ સૂડો કાબરો સામે બેઠો બેઠો બેવકૂફ બની જતો હોવો જોઈએ ! કાબરો સામે એ આટલો લટુ શા વાસ્તે બનતો હશે !

સૂડાએ પોતાની ભીની પાંખો ફફડાવી અને તેની ફરફર ભાસ્કરના મોં પર પડી.

ભાસ્કરે ટકોરીનું બટન દાબ્યું. બારણું ઊઘડ્યું. ઉઘાડનાર સ્ત્રી જ છે એટલો આછો આભાસ આવતાં જ ભાસ્કરે મોં પર સ્મિત આણ્યું. એક જ ક્ષણમાં એ સ્મિત, ચૂલાની આંચ પર પાપડ શેકાય તે રીતે સંકોડાઇ ગયું. પોતાની સામે ઊભી હતી તે ભદ્રા નહોતી, બીજી જ એક સ્ત્રી હતી. જાણે ધરતી ભેદીને, જાણે દિવાલ ફાડીને, જાણે બારણાંના લાકડાની પોલમાંથી બહાર નીકળીને એ સ્ત્રીની આકૃતિ ખડી થઈ હતી.

એ યમુના હતી. યમુના કાંઈ પૂછેગાછે તે પહેલાં તો કોઇ ન સમજાય તેવી લાગણીના આવિર્ભાવમાં ભાસ્કરની સામે સ્તબ્ધ બની ગઈ. બેઉની આંખો એકમેકમાં ખીલાની પેઠે ખૂતી રહી. અમાસની અરધી રાતે ભૂતિયા-કૂવામાંથી પાણી લેવા ગયેલો કોઈ ગામડિયો બહાદુર, એકાએક પોતાની પિછોડીનો છેડો જેમ કોઇ ઝાડની ડાળખીમાં ભરાઇ જતાં જીવલેણ હેબત ખાઇ જાય તેમ ભાસ્કર હેબતાઇને ત્યાં જડવત્ બન્યો.