પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૩૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરનો ભૂતકાળ : ૨૨3


યમુનાના સૂકા શરીર પર ધગધગતો લોહીપ્રવાહ ચડતો હતો ને ભાસ્કરની દેહલાલી દોડાદોડ કોઇ ઊંડી ગુફામાં ઊતરી જતી હતી. છ મહિનાના તાવલેલા જેવો એ ત્યાં બે જ મિનિટમાં બની રહ્યો.

યમુનાની આંખો પ્રથમ તો તાકી રહી. પછી આંખોના ડોળા ચક્કર ચક્કર ફરવા લાગ્યા. એના પાતળા હોઠ પર પ્રકમ્પ ઊઠ્યો. એના દાંત બહાર નીકળ્યા ને દાંતના કચરડા બોલ્યા : 'એ...જ-એ...જ-એ..જ આવ્યો ! છાજિયાં લઉં એનાં ! ઠાઠડી કાઢું એની!' એવી ચીસાચીસ પાડતી યમુના, છાતી પર ધડાક ધડાક પંજા મારતી પાછી દોટ કાઢી ગઈ, અને ભાસ્કર ત્યાંથી ખસી શકે તે પહેલાં તો ભદ્રા આવી પહોંચી.

ભાસ્કરને જોતાં જ ભદ્રા તો ઓળખી ગઇ.ભાસ્કરને ભદ્રાએ યંત્રવત્ કહ્યું :'આવો ભૈ .'

ભાસ્કર હજુ યમુનાના ખ્યાલમાંથી છૂટી નહોતો શક્યો. એ જવાબ ન આપી શક્યો. પણ એને નવાઈ લાગી કે દેરનું ઘર ભાંગનારને આ વિધવા આવકારો કાં આપે !

'એ તો જરી ગંડપણ છે એમને.' યમુના અંદરથી આવતા હાકોટા પર હાકોટાથી ચોંકી રહેલા ભાસ્કરને ભદ્રા ખુલાસો કરતી હતી. પણ ભાસ્કર તો યમુનાની બૂમો તરફ જ ધ્યાનમગ્ન હતો. આ માણસની આવી રીતભાત વિચિત્ર લાગવાથી ભદ્રા કંઈક સંદેહમાં પડીને બોલી :

'તમારે કોનું, ભૈનું કામ છે ? એ તો બહાર ગયા છે.'

'મારે કોઈનું કામ નહોતું.' ભાસ્કર બોલ્યો ત્યારે એના કંઠે ખરેડી પડી. થૂંકનો ઘૂંટડો ગળીને એણે વિશેષ પૂછ્યું : 'એ કોણ છે ?'