પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભાસ્કરનો ભૂતકાળ : ૨૨૫


છે, એ મને યાદ છે.' બોલતી બોલતી યમુના માવિહોણા નાના બાળકની ચીસો જેવી ચીસો પાડતી હતી.

એ શબ્દો ભાસ્કરને કાને પડ્યા. ભાસ્કરને પોતાની સ્થિતિ ભયમાં લાગી. ભેદ ફૂટવાની તૈયારી લાગી. એ ત્યાંથી ઊઠ્યો, ને ભદ્રા પાણી લઇ પાછી આવે તે પહેલાં ઝડપભેર ત્યાંથી નીકળી જઇ બાજુની ગલીમાં અદૃશ્ય બની ગયો.

જતો જતો એ ભદ્રાનો ચહેરો યાદ કરવા મથતો હતો, પણ એ ચહેરાની રેખાઓને ભૂંસી નાખતું યમુનાનું મોં આડે આવી ઊભું રહેતું હતું. એ ભૂતકાળનું એક છૂપું પાનું ઉકેલતો હતો.

જયપુરવાળી આ કોણ ? જગદીશવાળી યમુના તો નહિ ? જેનો મેં મનુ વેરેનો વિવાહ તોડી નખાવ્યો હતો તે તો નહિ ! એના બાપ જયપુરમાં દાક્તર હતા ને !

દસ વર્ષ વીતી ગયાં હતાં એટલે યાદદાસ્ત સ્પષ્ટ થવામાં વાર લાગતી હતી.

પણ યમુના ગાંડી શા માટે થઇ ગઇ ? ને અહીં વીરસુતને ઘેર ક્યાંથી ? યમુનાને મનુ જાની સાથે પ્રેમ હતો, વેવિશાળ જેવું પણ કાંઈક થયું હતું. પણ મનુ તો આઇ.સી.એસ. થવા જવાનો હતો. એ સીવીલીઅન થઇને આવત ત્યારે બ્રાહ્મણની એ સાદી ગામઠી છોકરીની સાથે સંસાર કેમ કરી માંડી શકત ? યમુનાને મેં તે દિવસોમાં રોજેરોજ સમજાવી હતી. છેવટે એની પાસે મેં હા પડાવેલી, કે ભલે, મનુ જાનીનો 'કરીઅર' બગડતો હોય તો હું મારો પ્રેમ ભૂલી જવા તૈયાર છું. એ હા પડાવ્યા બદલ મેં યમુનાના નામ પર મનુ પાસેથી રૂ. આઠસો મૂકાવેલા, ને જગદીશ જેવો વકીલ વર શોધી આપ્યો હતો. તે પછી શું થયું હશે ? પોતે