પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રૂપેરી પડદો : ૨૨૯

'શું જોઇએ છે દેવ ? આ રહી હું તો.' ભદ્રાએ ઊઠીને એની બાજુએ બેસી કહ્યું.

'ક્યાં-ક્યાં ગયાં ?'દેવુનો દુબળો સ્વર નીકળ્યો.

'કોણ, હેં ભૈ ?'

પોતાના અંતરમાં જે નામ રમતું હતું તે લેવામાં કોઈ અપરાધ હતો ? કે પછી પોતાને જે યાદ આવતું હતું તે કોઈ ભ્રમણાજન્ય માનવી હતું ? તેની ખાત્રી હજુ થતી ન હોય તેમ ભદ્રાના પ્રશ્નનો જવાબ દીધા વગર દેવુએ ચોમેર જોયે રાખ્યું ને પોતાના સુકાએલા હોઠ જીભ વડે વારંવાર ભીંજાવ્યે રાખ્યા.

રાત પડી. યાદ કરવા મથતો દેવુ માથાનો દુઃખાવો અનુભવતો અનુભવતો ઊંઘી ન શક્યો. રાતવાસો રહેવા આવેલા દાદા, ભદ્રા વહુ વહેલા પ્રભાતે દવાખાને આવી પહોંચ્યાં એટલે એને હવાલો સોંપીને ઘેર જવા નીકળ્યા. નીકળતે નીકળતે એણે ભદ્રાને 'આ તરફ આવજો તો બેટા !' કહી બહાર બોલાવી, લાજ કાઢેલ વિધવા પૂત્રવધૂ પ્રત્યે પોતાની અરધી પીઠ વાળીને કહ્યું, 'હમણાં એને કશું પૂછતાં નહિ. કેમકે નહિ તો માથામાં લીધેલ ટેભા પર બોજો થશે.

'વારુ !' ભદ્રાએ કહ્યું.

કોણ જાણે શાથી પણ એ વૉર્ડની તેમ જ અન્ય વૉર્ડોની નર્સ બાઇઓ આ દેવુના ખંડમાં અકેક આંટો દઈ જવા લાગી. જુવાન અને આધેડ ડાક્ટરો પણ પોતાની ડ્યુટી હોય કે ન હોય તો પણ એ ખંડની આંટો મારી આવવાની ફરજ માનતા થઈ ગયા. એ સર્વને કૌતુક કરાવનાર પોતાનું વૈધવ્યવીંટ્યું રૂપ છે એવી ખબર ભદ્રાને જો પડી હોત તો એ કદાચ દવાખાને ફરી વાર આવવા ન ઇચ્છત. પણ ભદ્રાનું એ સુખ હતું. પોતાના રૂપમાં આટલા બધા માણસોને જોવા