પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૩૦ : તુલસી-ક્યારો


જેવું કાંઈ હોઈ શકે તેમ એ સ્વપ્ને પણ ખ્યાલ કરતી નહોતી. આવેતુ દાકતરો ને નર્સો-સૌ એને તો પોતપોતાની ફરજ જ બજાવતાં લાગતાં હતાં.

દવાખાના સાથે તબીબી વિદ્યાલય પણ જોડાએલું હતું ને તેમાંથી ટોળાબંધ મેડીકલ વિદ્યાર્થીઓ આંહીં ઘૂમતા હતા. આ દેવુના માથાના ફ્રેક્ચરનો સાદો કિસ્સો કોણ જાણે કેમ પણ તેમને 'વેરી ઇન્ટરેસ્ટીંગ કેઇસ' લાગી ગયો ને તેઓ આ ખંડમાં આવી આવી દેવુ કરતાં ભદ્રાનું વિશેષ નિરીક્ષણ કરીને ચાલ્યા ગયા. ત્યાં ઊભા ઊભા અને બહાર જતે જતે તેમાંના બે ત્રણ જણાએ અંદર અંદર અંગ્રેજી વાતો કરી. એ વાતો આ વિધવાને વિષે જ હતી. એ વાતોમાં ભદ્રાએ પ્રો. વીરસુતનું નામ સહાસ્ય લેવાતું સાંભળ્યું. વાતોનો મર્મ એટલો જ હતો કે પ્રોફેસર વીરસુતની સ્ત્રી ચાલી ગયા પછી એના હૃદયનું સ્નેહસ્થાન લેનાર જ એની ગામડિયણ ભાભી છે ને, તે પોતે જ આ !

આ રહસ્ય-કથામાં વિદ્યાર્થીઓને રસ હતો તે સકારણ હતો. તેઓ કૉલેજમાં વીરસુતના હાથે રસાયણશાસ્ત્ર ભણીને હજુ તાજા જ આ લાઇનમાં આવેલા હતા. પ્રો. વીરસુતની ભણાવવાની શૈલીમાં નવીન રસ તેમ જ ઊંડાણ નીપજાવનાર જે એક નારી વિષે તેમણે સાંભળ્યું હતું તે આ પોતે જ હતી ! પણ એ નારીને પોતાને ખબર જ નહોતી, કે પોતાને આટલી બધી મહત્તા આ હાડચામ ચૂંથનારા નિર્મમ દાક્તરી જગતમાં પણ અંકાઈ ગઈ છે.

વીરસુત આવીને જોઈ ગયો. સાંજે ડોસાએ આવી ભદ્રાને છૂટી કરી. ફરી પાછી ભદ્રાએ બપોરે આવી ડોસાને ઘેર મોકલ્યા. બપોર પછી મુલાકાતો શરૂ થઇ ત્યારે પાછો દેવુ બારણા બહાર ચાલી જતી માનવ-ધારા પર નજર ખેંચતો રહ્યો. ભદ્રા દેવુના આ મૂંગા તલસાટનું કારણ સમજતી નહોતી તેથી દેવુને વારતી રહી.