પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રૂપેરી પડદો : ૨૩૧


મુલાકાતનો સમય પૂરો થવા આવ્યો. ટોળાંના પૂર ઓસરતાં ગયાં. ભદ્રાને ધરાઇ ધરાઈને જોઇ ગયેલા દાક્તરો પણ ચાલ્યા ગયા. દીવા પેટાયા. દૂર કે નજીકના ખંડોમાં કોઈ કોઈ રોગી-ચીસો દિવાલોમાંથી ગળાઇને આવતી હતી. 'મેતરાણી' 'મેતરાણી'ની કોઈક કોઈક બૂમો પડતી હતી. 'વોર્ડબોય'ને બોલાવતી અથવા તો પરસ્પર સાદ કરતી નર્સોના, કોઇક મોટા વાજીંત્રમાંથી છૂટા પડી ગયેલા સૂર સમા સ્વરો છૂટતા હતા. તેમ જ તેમનાં બૂટ ચંપલના ટપાકા લાંબી લાંબી પરશાળની ફરસબંધી પર વાણી કાઢતા કાઢતા ચાલ્યા જતા હતા. એ ટપાકા પૈકીના ક્ટલાક થાકેલા હતા, બીજા કેટલાક નવું કૌવત પુકારતા હતા. થાકેલા પગો દિવસભરની આકરી નોકરી પરથી ઊતરીને પોતપોતાની ઓરડીએ જતા હતા, ને જોરદાર ટપાકા કરતા પગો દિવસભરની નિવૃત્તિ પામ્યા હોવાનું સૂચવતા હતા.

એ અસૂરી વેળાએ જે એકાકિની સ્ત્રીનું મોં આ બારણામાં દેખાયું તેને જોવા દેવુ જાગતો નહોતો, થાકીપાકીને સહેજ જંપી ગયેલો. ખંડનો દીવો ઓલવી નાખીને ભદ્રા પણ સામી બારીએ ઊભી ઊભી, સામે ઝુલતા આકાશના ચંદરવા ઉપર એક પછી એક ટંકાતા તારાને નિહાળી રહી હતી. આકાશ પરથી ઊતરતી ઊતરતી એની આંખો દૂરનાં મકાનોની મેડીઓમાં થંભી રહી. કોઇ કોઇ ઓરડામાં વીજળી-દીવા ચેતતા હતા, કોઈકમાં બળી બુઝાતા હતા, કોઈ કોઈ એકાએક અજવાળાતા ખંડોનાં પતિપત્નીનાં યુગલો પાસોપાસ ઊભેલાં નજરે પડતાં હતાં, તે કોઇ કોઇ ઠેકાણે એવાં મિલનોને બધુ પ્રગાઢ બનવાનું હોઇ દીવા ઓલવાતા હતા. ક્યાંઇક પલંગોની સજાવટ થતી હતી, ક્યાંઈક સંધ્યાના શણગાર ચાલુ હતા.

કોઈ કોઈ નાની ઓરડીમાં બહારથી આવેલો પતિ કપડાં ઉતારતો હતો ને છોકરૂં એને ખભે ચડી બેસવા ધમપછાડા કરતું હતું