દેખાવ કોઇ નીંભર, આત્મવિસ્મૃત, જડ ખાઉધરીનો બની જતો. જાણે કોઇ દુકાળિયું !
પોતાની પાછળના ખૂણામાંથી દેવુને કોઇ વાર જમરૂખની વાસ આવતી તો કોઇ વાર મૂળાની. કોઇ કોઇ વાર ભજિયાં પણ ફોરતાં. ખાતી કંચનના મોંના ભયાનક બચકારા સંભળાતા.
દેવુને નવી બાના આ વિલક્ષણ સ્વાદોનું કુદરતી રહસ્ય સમજવાને વાર હતી. દાદા કે ભદ્રાબા આવે ત્યારે દેવું છાનોમાનો કહી દેતો કે 'કંચન બા બહુ ભૂખ્યાં થતાં લાગે છે.'
ડોસાનું મગજ જ્યેષ્ટારામની સલાહ અને કંચન પ્રત્યેના તિરસ્કારની વચ્ચે ડામાડોળ હતું. એમાં જ્યારે એણે દેવુ પાસેથી આ સમાચાર જાણ્યા ત્યારે એને કાળ પણ ચડી ગયો. આટલી બધી નિર્લજ્જ ! આંહીં બેઠી બેઠી આવી ચીજો ચાવે છે ! પોતાના આચરણની એને લજ્જા કે સંતાપ પણ નહિ હોય ?
પણ એક દિવસ ડોસા કવેળાએ આવી ચડ્યા. કંચન ખૂણામાં પીઠ વાળીને બેઠી બેઠી કશુંક બુચકાવતી હતી, ડોસા સ્તબ્ધ બનીને નિહાળી રહ્યા. એણે જગતની સકળ કરુણતાઓની અવધિ દીઠી. ગર્ભધારિણી યુવતી જાણે કોઈ ચોર , બદમાશ, ડાકણ જોય તેમ ચકળવકળ જોતી જોતી, ફડકો ને ફળ ખાતી ખાતી શું ચાવતી હતી ? ગાજર ને મોઘરી.
એકાએક એણે ડોસાનો શ્વાસ સાંભળ્યો. ઝબકીને પાછળ ફરી. ડોસાએ સન્મુખ નિહાળી. કંચન સીધી સટ સામે જોતી બેસી રહી. એના ચહેરા પર જે શૂન્યતા હતી, જે જડતા ને નિષ્પ્રાણતા હતી, જે મરણિયો ભાવ હતો, તેણે જ ડોસાને પરાસ્ત કર્યો.