૨૭૨ : તુલસી-ક્યારો
વૃદ્ધ સોમેશ્વરે તે દિવસ રાતે વીરસુતની ગેરહાજરીમાં ઘર આગળ ભદ્રા વહુને પોતાની નજીક બોલાવીને બનાવટી હાસ્ય છોડતે છોડતે કહ્યું :
'તમે આટલાં ડાહ્યાં, આટલાં સુજાણ, પણ મને તો વાતે ય કરતાં નથી ના?'
'અનસુ !' ભદ્રાએ લાજનો ઘૂમટો આડો રાખીને, દૂર રમતી, પૂરી બોલી ન પણ જાણતી અનસુના ઓઠાને આશરે સસરાને જવાબ વાળ્યો : 'પૂછ તો દાદાજીને, શેની વાત ?'
'વીરસુત કંચન વહુને આંહી ક્યારેક ક્યારેક બોલાવે છે તેની ! બીજા શેની વળી ! તમે જ બેઉનાં મનનો મેળ જોડો છો ને મને પાછાં છેતરો છો કે બેટા ? હે-હે-હે-હે.'
ભદ્રાને ખબર ન પડી કે સસરાના ઉદ્ગારો પાછળ શી મતલબ છે, શું તથ્ય છે, ઠપકો છે કે ધન્યવાદ છે !'
'ના, અહીં તો કોઇ દા'ડો કંચન આવ્યાં નથી.' એણે હેબતાઈને કહ્યું.
'નાદાન છો નાદાન, બેટા !' સસરા પોરસ ચડાવી રહ્યા : 'તમે તો ઊંઘણશી છો કુંભકરણની બેન જેવાં ! ઠીક, મૂકો હવે એ વાત, ને મન સંકોડ્યા વગર મને વધામણી આપો બચ્ચા !'
'પણ શાની, વધામણી બાપુને પૂછને અનસુ !'
'વહુને મહિના ચડે છે, છુપાવો છો શીદને ! એમ મારાથી છુપાવ્યું છૂપશે કે ? મારી તો શકરા-બાજની આંખો છે બચ્ચા ! તમારે તો ઘણીય દેરાણીને ગાજતે વાજતે ઘેર લાવી કરીને પછી મને કહેવાની ગણતરી હશે, પણ હું કાંઇ ઓછો ખેપાન છું ! હું તમારો બાપ : જેવી દીકરી દુત્તી એવો જ બાપ ખેપાન ! હે-હે-હે-હે-હવે