૨૮૬ : તુલસી-ક્યારો
'એને બાપડાને પાપ કાં કહો ભૈ ? જ્ઞાની થઇને કાં ગોથું ખાવ છો બહિ ?'
'પૂછું છું કે 'બાપ' કોને કહેશે ભાભી ?' વીરસુતના દાંત કચડાટી બોલાવતા હતા.
'તમે તમારે ન કહેવા દેજો ભૈ ! અમે ય નહિ શીખવીએ. પણ એક વાત પૂછું ભૈ ? ખિજાશો નહિ ને બાપા ! પાપનું એવું ફળ અસ્ત્રીને બદલે પુરુષને લાગતું હોત તો ક્યાં મૂકી દેત ? એ તો ભેળું જ ભેળું. બાપજી તો બે જીવને જીવાડી રહ્યા છે કે બીજું કશું ? તમારે ના પોસાય તો ઘરમાં ના લેતા ભૈ ! પણ ભવાડો કર્યે શો લાભ ? તમે જ જગબત્રીશીનો માર ખમી નહિ શકો બાપા ! અમને સર્વેને તો તમારા જ જીવની ચિંતા લાગી છે, એથી જ બાપુ ઢાંકવા લાગી પડ્યા છે.'
થંભાવેલા હીંડોળાને ફરી થોડીવાર કિચુડાટે ચડાવીને વીરસુત વિચારે ચડ્યો. પછી એણે પૂછ્યું, 'કંચન તમને મળી છે ભાભી ?'
'દરરોજ મળતાં - છેલ્લા પંદર દિવસથી.'
'ક્યાં?'
'દવાખાને.'
'તો મને વાત કેમ કહેતાં નથી ?'
'પૂછો ત્યારે કહું ને ભૈ ? વણપૂછી વાત ક્યાંક ન ગમે તો ?'
પછી ભદ્રાએ દેવુને કેવા સંજોગોમાં અકસ્માત થયો ત્યાંથી પ્રારંભ કરીને પૂરી સમજ પાડી. વીરસુતનું હૃદય વિસ્મયના તરંગો પર ડોલી રહ્યું.