પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કેવો નાદાન પ્રશ્ન ! : ૨૮૭


'તમને લાગે છે ભાભી, કે મારો સંસાર ફરીથી મીઠો થશે ?' વીરસુત કૂંણો પડ્યો હતો.

'તુલસી માએ જ મીઠો કરવા ધાર્યો છેને ભૈ ! નીકર બાપુજી આટલી આપદા ઊઠાવે કદી ! બાપુજીને પેટના પુત્રનો અવતાર બગાડવો થોડો ગમતો હશે ! પણ એકલદોકલ કાંઈ આખો અવતાર ખેંચાય છે ભૈ!"

'તમારા જેવી ગુણવાન કોઈ આપણી જ્ઞાતિમાંથી મને ન મળી રહેત , હેં ભાભી ?'

વીરસુતના આ પ્રશ્ન સામે ભદ્રા નીચે જોઈ ગઈ. ઘણી વારે એણે કહ્યું,'સમો બદલી ગયો છે ભૈ ! ને તમે છો ભલા, હદ બેહદ ભલા હો ભૈ !ફરી ફરી આવું ને આવું થાય, તો તમારી દેઈ કંતાઈ જ જાય કે બીજું કંઇ? અસ્ત્રીની જાત જ ન્યારી છે ભૈ, ને એને કેળવવાની કળવકળ કોઇમાં હોય, કોઇમાં ન યે હોય; બધામાં કંઈ થોડી હોય છે ભૈ ! ને એ કંઈ શીખવી થોડી શીખાય છે ભૈ ? એ તો બપુજી બધું ય સરખું કરી દેશે, તમે શીદ મૂંઝાવ છો ? પીડા બધી તો આંખનાં ઝેર છે. ઝેર નીકળી જાય એટલે પછે શું રહે છે ભૈ ? મીઠપ જ ને !'

યૌવનનાં દ્વારે જ ઊભેલી ભદ્રા, જેણે પૂર્વે કદી વીરસુત સાથે આટ્લો લાંબો વાર્તાલાપ કર્યો નહોતો, તેણે કેમ જાણે ઇરાદાપૂર્વક જ લાંબા વાર્તાલાપને માટે સુરક્ષાકારી એવું વાર્ધક્ય ધારણ કરી લીધું. બત્રીસે દાડકમળી શા દાંતવાળું એનું એ જ મોં ઘડીભર બોખું ભાસ્યું.ચકચકિત લાલ ગાલો જાણે કરચલીઓ ઓઢી ગયા. મોટી બે આંખો મનનશીલ બની રહી.

'ત્યારે તમને શું આશા છે ભાભી, કે આ ઘર ફરી વાર વસશે ? એનો જીવ અહીં પાછો ઠરીને ઠામ થશે ?'