પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૮૮ : તુલસી-ક્યારો


'નહિ કેમ થાય ભૈ ? બાપુજી બાજુએ જ છે ને !'

'ને તમે પણ ખરાંને ?'

'મારું તો શું ગજું ભૈ ! પણ તમે પોતે......'

'કેમ ખચકાયાં ?'

'તમને ફાવટ આવી જાય ને ભૈ !'

'શાની ફાવટ ?'

'છે તે - પોતાનાં માણસને ઠેકાણાસર રાખવાની .....'

વીરસુત ચુપ થઇ ગયો. એને કંઈ સમજ પડતી નહોતી. એ તો માનતો હતો કે સારી ગૃહિણીઓ જ્ઞાતિમાં ને સમાજમાં તૈયાર કેરીઓ જેવી, દાબે નાખીને પકવેલી તૈયાર મળે છે. પુરૂષને સ્ત્રીનો જીવનદોર રસ્તાસર રાખવાને માટે આવડત, કૌશલ્ય, કળવકળ, વ્યવહારજ્ઞાન કે પાટવ જેવું કંઇ જોઇએ છે એવી એને ગમ જ નહોતી. બે શરીરોના સંલગ્ન થવા સાથે જ ઉર અને ઉર્મિની એકતા સંધાઈ જાય છે એવું માની બેઠેલો એ અલ્પજ્ઞ માનવી હતો. મોંમાગ્યાં સાધનોની સહેલી પ્રાપ્તિ અને પતિના પગારની રકમનો પ્રત્યેક માસે અપાઈ જાતો કબજો, એ જ એને મન જાણે કે સ્ત્રીની આત્મીયતા સ્થાપી દેવા માટે પૂરતાં થતાં સાધનો હતાં.

'કહો કહો તો ખરાં મને ભાભી !' વીરસુતે વધુ હિંમત કરી :'ઘરનું માણસ કઈ રીતે રીઝે ?'

'જુવો તો ખરા !' એટલું બોલીને, મોં મલકાવીને, ને તે પછી તરત ગંભીર બનીને, બાળક જેવા દેરની દયાએ ઓગળતી ભદ્રા જવાબ વાળ્યા વગર જ ઘરની અંદર ચાલી ગઇ. એની સમજશક્તિ પણ અંધકારે ઘેરાઇ ગઇ.