પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'શોધ કરું છું' : ૨૯૫


નાનો પંતુજી છું એટલે વિજ્ઞાનનાં થોડાં મૂળતત્ત્વો કરતાં વિશેષ ભણ્યો નથી. વીજળી એક મહાશક્તિ છે, પણ એ ક્યારે અજવાળે છે ને ક્યારે બાળી ખાખ કરે છે તેટલી મને ખબર છે. ભાઇ ! તારો અલ્પજ્ઞ પિતા આવાં આવાં ચવાયેલાં સત્યોના ચૂંથા ચીતરીને તારી અધતન વિદ્યાનું અપમાન કરે છે એમ ન ગણીશ.

'જેને તેં મિત્રો અને જીવનના પથદર્શકો માનેલા તેમના શાસન તળે તેં તારો સંસાર શ્રદ્ધાપૂર્વક મૂક્યો હતો. આજે જેને તું પિતા માની રહ્યો છે (કેમ કે જીવનમાં બધો જ આધાર માન્યતા પર છે) તેને એક છેલ્લી વારનું મિત્રકાર્ય, બંધુકાર્ય, જે કંઈ કહેવાતું હોય તે કરવા દે. વધારે નહિ, એકાદ વર્ષની જ મુદ્દત હું મારા પ્રયોગ માટે માગું છું. તું પ્રવાસે જવાની તક મળે તો લેજે. અમદાવાદમાં જ રહેવું હશે તો એક વર્ષની મુદ્દત માટે કાગળો લખવાની કે મળવાની ઊર્મિ કાબૂમાં રાખવી પડશે. કદાચ એ તને મુશ્કેલ પડે માટે જ લાંબા દેશાટનની ભલામણ કરૂં છું.'

ભદ્રા જોતી હતી કે જમતાં કરતાં દેર કંઈક ને કંઈક છણકા કરતો હતો. પિતાના કાગળે એને માટે પ્રકટ કોઈ ફરિયાદ કરવાની સ્થિતિ રહેવા દીધી નહોતી. ભાભી પણ દેરની આપદાનું કશું કારણ પૂછતી નહોતી. તેથી દેરને ભાભી પર ઘણીયે રીસ ચડી પણ ભદ્રાએ પણ ભદ્રાએ એટલુંય ન પૂછ્યું 'કેમ કંઈ તબિયત સારી નથી ભૈ ? હેં ભૈ, શું કંઈ થયું છે ?'

'હેં ભૈ' કહીને ભાભી જે લહેકાભર આવો સવાલ પૂછશે તે લહેકો પણ વીરસુતે હૈયામાં ગોઠવી રાખ્યો હતો. ભાભીનું મોં એ પ્રશ્ન પૂછતી વેળા જે ભાવોની ચુમકિયાવાળી ભાત ધારણ કરશે તે પણ પોતે કલ્પી રાખેલું; પણ આઠ આઠ દિવસ થયા તોય જ્યારે ભદ્રા મૂંગી મૂંગી પોતાનો રોજિંદો વહેવાર ચલતી રહી, ત્યારે પછી