પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૯૬ : તુલસી-ક્યારો


વીરસુત કૉલેજે જતી વખતે 'લ્યો ભાભી ! વાંચી રાખજો આ બાપુજીનો કાગળ !' એમ કહેતે કહેતે કાગળ ભદ્રા તરફ ફગાવી પોતે ચાલ્યો ગયો.

સાંજે પણ ભદ્રા વગરપૂછી કશું બોલી નહિ. વધુ જુસ્સો સંઘરતો વીરસુત છેવટે પોતે જ પ્રશ્ન કરવાની સ્થિતિમાં મુકાયો :

'બાપુએ મને દેશવટો દીધો છે, જોયું ને ?'

'જઇ આવો ભૈ ! બાપુ ઠીક લખે છે ભૈ ! મન મોકળું થશે.'

'હા જ તો ! તમારી મુક્તિ થશે, સૌનો મારાથી છુટકારો થશે.'

'જઇ આવો ભૈ ! મને ય એ એક જ મારગ સૂઝે છે. ક્ષેમકુશળ દેશાટન કરી આવો ભૈ ! બધાં રૂડાં વાનાં થઇ રહેશે.'

'ને રહીશ તો ? તો શું બૂરાં વાનાં થશે ?'

વીરસુતના એ દાઝેભર્યા શબ્દોથી ભદ્રા જરીકે ન તપી, ન બોલી. વીરસુતે ફરી પૂછ્યું :

'કહોને શું બૂરાં વાનાં થશે ?'

'કહીને શું કરું ભૈ ! તમને ક્યાં કોઇનું કહ્યું પોસાય છે ?'

એ બોલમાંથી ભદ્રાનો કંટાળો ખર્યો. વીરસુતને બીક લાગી. ભદ્રાના મનની મીથપ એ એક જ એને ખાડી તરવાની નાવ રૂપ હતી.

'ના, એમ કેમ કહો છો ભાભી?' વીરસુતે ભયના માર્યા પોતાનો રંગ બદલ્યો; 'તમે કહો તે મુજબ કરવા માટે તો હું પૂછું છું.'

'ત્યારે તો જઇ આવો દેશાટને ભૈ !' ભદ્રા પોતાના લાલ લાલ નખનાં પદ્મોમાં પોતાનું પ્રતિબિમ્બ જોતી જોતી એકશ્વાસે એ વાક્ય બોલી ગઇ. એકશ્વાસે એટલા માટે કે એને વાક્ય વચ્ચેથી ત્રૂટી