પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'શોધ કરું છું' : ૨૯૭


પડવાની બીક લાગી. એ બોલવાના વેગમાં ગુપ્ત વ્યથા હતી. જાણે કોઈ ઘોડાગાડીના વેગના સપાટામાં આવી ગયેલા નાના કુરકુરીઆનું આક્રંદ એ બોલમાંથી સંભળાયું.

'હવે થોડું પૂછી જ લઉ ભાભી ! કે આમ શા માટે ? મને પ્રવાસે કાઢવાથી શો અર્થ સાધવો છે ?'

'ભૈ!' ભદ્રા બોલતાં પહેલાં ખૂબ ખચકાઇ; 'સ્ત્રીનો સ્વભાવ જ એવો રહ્યો ને ભૈ ! તેમાં કોઇ શું કરે ? બાપુજી બીજું શું કરે ?'

'સ્ત્રીનો સ્વભાવ ! કેવો સ્વભાવ ?'

'કંઇ નહિ હવે એ તો ભૈ ! કંઇ કહેવા જેવી વાત નથી એ. તમે તમારે જઇ આવો. તુળસીમાના આશિર્વાદ હજો તમને ભૈ !'

એટલું જ કહીને ભદ્રા પાછી વળી ગઇ. ને વીરસુતને યાદ આવ્યું.

પોતાનું વધુ અભ્યાસ માટે બહાર જવાનું પરિયાણ બે વર્ષથી કંચનના ધમરોળને કારણે મુલતવી રહેલું. વીરસુત ભાભીના વારંવાર આગ્રહની અસરમાં મુકાયો. એણે જૂની યોજનાને ખંખેરી કરીને ગતિમાં મૂકી. એને વળાવવા માટે પિતા અમદાવાદ સુધી પણ ન આવ્યા. પણ એણે અમદાવાદ છોડ્યું તે પૂર્વેના પંદર દિવસમાં ડોસાએ ઘરની અંદરનું વાતાવરણ આવડતભેર તૈયાર કરી નાખ્યું હતું. કંચને જ્યારે દેવુની દ્વારા સસરા પાસે પોતાનો વીરસુતને મળવા જવાનો ઇરાદો આડકતરી રીતે જણાવ્યો ત્યારે પિતાએ કહ્યું,'તમે જાણે કે છો કુમળાં હૈયાનાં, ને ત્યાં લાગણીને કાબૂમાં રાખી નહિ શકો. દીકરો પણ અતિ પ્રેમાળ છે. તમારાં આંસુ દેખીને ક્યાંક ફસકી પડશે. હું ય છું પોચા હૈયાનો, મારથી પણ વિદાય દઈ શકાશે નહિ. હું પણ નથી જવાનો. જો વિદાયમાં વ્યથા થશે તો એ બાપડો ત્યાં જઇ ભણતરમાં મન શે પરોવી શકશે !'