પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૦૬ : તુલસી-ક્યારો


માને છેતરવા જેવું થાય. ને છેતરવું એ મારા સ્વભાવમાં નથી.' એમ કેતો કહેતો એ તોરમાં ને તોરમાં એક ટૂંકું અંગ્રેજી વાકય બકી ગયો : ‘To thy own self be finally true.’

'લે ભાઈ લે.' ડોશીનું રટણ ચાલુ જ હતું.

ત્યાં તો ગાડી ઊપડી. એ કેદીની કઠોરતામાં કશો ફેર પડ્યો નહિ. બુઢ્ઢીએ બિસ્તર અને ભાતાનો ડબો લઇ ને ચાલતી ટ્રેન સાથે દોડવા માંડ્યું. દોડતી દોડતી એ કરગરતી હતી : 'ઓ ભાઇ ! લેતો જા ઓ બેટા, લેતો જા ઓ ભાસ્કરીઆ - ઓ રડ્યા ! ઓ દન ફરેલા ! ઓ પથ્થર જેવા દીકરા !'

પણ વેગ પકડતી ગાડીના એ ડબાના છેવાડા ખાનામાં બેઠેલો એ કેદી જાણે કોઈ સ્થિતપ્રજ્ઞતાની મૂર્તિ હતો. એણે ગાડીમાંથી ડોકું કાઢીને પાછળ પણ જોયું નહિ. બાજુનાં મુસાફરોમાં જે કટાક્ષયુક્ત ટીકાઓ ચાલુ થઇ તેની પણ કશી અસર એણે મોં પર દેખાડી નહિ. ને વિદ્વત્તાયુક્ત ટીકા ન કરી શકતા પોલીસ નાયકે 'અરે શું તમે તે યાર ! ઇન્સાન છો કે નહિ' એવી જે ગૌરવભરી વાણી ઉચ્ચારી તેનો પણ જવાબ વાળ્યો નહિ. નજર પોતાની સન્મુખ ટેકવીને એ બેસી રહ્યો. મોં છુપાવવાની પણ એણે જરૂર ન માની. એના ચહેરા પર એક જ ભાવ લખાઈ ગયો હતો, કે મેં કશું જ નિંદ્ય કામ કર્યું નથી. મારો આમાં કાંઇ પણ દોષ થયો નથી. હું મારી જાતને વફાદાર એક પ્રામાણિક માણસ છું. હું દલીલો કરવાની જરૂર જોતો નથી.

'લઇ લે રોયા ભાસ્કરીઆ !' એવા એ બુઢીના આક્રંદ-શબ્દો ભદ્રાને કાને પડ્યા કે તરત એ કંઠ પરખાયો. યમુના અને અનસુ બેઉએ ઊંઘવું આદરી દીધેલું તેથી ભદ્રાને એકલીને આ ડબામાં ભાસ્કર હોવાનો