પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૨૨ : તુલસી-ક્યારો


ગતિમાન કાયા ભદ્રાના હાથમાંથી સરી જવા લાગી. પીંજેલું રૂ પડ્યું હતું તેના સફેદ સુંવાળા પૉલને બથમાં લઇને કંચન બોલી ઊઠી : 'ખરેખર ભાભીજી, આજ સુધી બબે મોટાં ગાદલાંમાં સૂતાં છતાં આ તો કદી ખબર જ નહોતી. મને તો એવું થાય કે રોજેરોજ નવાં ગાદલાં ભરાવ્યા જ કરૂં, રોજેરોજ નવું નવું રૂ પીંજાવ્યા જ કરૂં. ને સાંભળો તો, આ પીંજારાની તાંત શું બોલે છે ?' એમ કહેતે એણે તાંતના ઢેં-ઢેં-ઢફ-ઢફ-ઢફ એવા અવાજોના ચાળા પાડી હાથની ચેષ્ટા માંડી.

ભદ્રા સમજી ગઇ. આ સર્વ સ્ફૂર્તિની ભૂખ એના શરીરની ગર્ભવતી સ્થિતિને આભારી છે. ભદ્રાએ એને મસ્તકે હાથ મૂકીને ફક્ત એટલું જ કહ્યું : 'હિલોળા જ કર તું તારે બેન ! હિલોળા જ કર. આ ઘર તારું જ છે.'

'ને બાપુજી તો કાંઈ છે ને ભાભીજી !' કંચને વાત આદરી ! 'હું જે કહું તે કરવા કડે પગે બડકમદાર ! ગાદલાં માટે નવું કાપડ લાવો, તો કહે કે બહુ સારૂં, બડકમદાર ! જે મગાવું તે લઈ આવી દેવા માટે બસ બડકમદાર ! એ બોલે છે ત્યાં તો મારાથી હસી પડાય છે. એ 'બડકમદાર' બોલે છે ને મારા તો પેટમાં જ ભાભીજી, કંઇક ઊછળવા લાગે છે.' એમ બોલતી કંચન, જેણે ત્રણ ત્રણ કસુવાવડો જ જોઇ હતી, જેને સાતમા ને આઠમા મહિનાની સગર્ભાવસ્થાએ અનુભવાતો સ્વાદ કદી ચાખ્યો નહોતો, તે આ નવા અનુભવની કથા કહેતાં નીચે જોઇ ગઇ. એના પેટમાં બાળકનું સ્પન્દન ચાલતું હતું.

ભદ્રાએ એનું મોં ઊચું કર્યું ને એથી આંખોમાં પલ પૂરર્વેના થનગનાટને બદલે ગ્લાનિ ને વિષાદ, ભય ને ચિંતા નિહાળ્યાં. એનો પણ મર્મ ભદ્રા પારખી ગઈ.કંચનનાં નેત્રો એકાદ મહિના