પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'બડકમદાર !' : ૩૨૩


પછીની કટાકટી પર મીટ માંડી બેઠાં હતાં. એ ટાણે, એ પ્રસવની ચીસો ટાણે, એ શિશુના પહેલા રૂદનને ટાણે, આના આ જ સસરાના કાનમાં શું થશે ? આ ભદ્રા, આ પાડોશીઓ, સુયાણી વગેરે સૌ શું કરશે ? કોઇને કંઇ આડું અવળું કરવાની સૂચના તો નહીં થાય ? એ કલંકનો નિકાલ તો કોઇને નહિ ભળાવાય ?

એ એકેએક મનોવેગને ભદ્રાએ પકડી પાડ્યો. ને એણે કશું જ બોલ્યા વગર, કંચનના રૂના પૉલ પર ઢળેલા ચહેરાની જમણી આંખને ખૂણે આવેલું આંસુનું ટીપું હળવી આંગળીએ ઉપાડી લીધું.

ત્યાં તો સસરાનો શબ્દ સંભળાયો : 'બડકમદાર ! હું શાક લેવા જાઉં છું. ગાદલાના ગલેફનું કાપડ લેતો આવું છું. બીજું કાંઈ જોવે છે બડકમદાર ? ઠે...ક ! અત્યારે યાદ ન આવતું હોય તો પછી કહેજો - બડકમદાર ! કરમીની જીભ અને અકરમીના ટાંટીઆ ! અલી ઓ અનસુ ! બડકમદાર ! યમુના, બદકમદાર !' એમ બોલતા સોમેશ્વર માસ્તર રૂપેરી હાથાવાળી સીસમલાકડી વીંઝતા, ઘરમાં છુપાઇને હસતી યમુનાના માથા પર લાકડી અડાડતા કહેતા ગયા કે 'બડકમદાર ! કોણ કહે છે તું ગાંડી ? - બિલકુલ ગાંડી નહિ, બડકમદા...ર !'

'બડકમદાર' શબ્દ કોઈ મંત્ર કે સ્તોત્ર સમો બન્યો હતો. એ ઉચ્ચાર આખા ફળીમાં જીવન પાથરતો હતો. એ શબ્દ વાટે એક વૃદ્ધની સ્ફૂર્તિ ને શક્તિ હવામાં લહેરીઆં પાડતી હતી. ચાલ્યા જતા સસરાની પાછળ શેરી પણ ગાજતી ગઈ - 'બડકમદાર !'

ભદ્રાએ એનો મર્મ પણ કલ્પી લીધો, કે સસરા જાણે કોઇક અપૂર્વ આપત્તિના કસોટીકાળને માટે કૃત્રિમ હિંમતનો સંચય કરી રહેલ છે. એવો અર્થહીન ઉચ્ચાર પગલે પગલે કાઢવાનો એ વગર બીજો હેતુ ન હોય. ને કસોટીનો કાળ ક્યાં દૂર હતો ?