પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'બડકમદાર !' : ૩૨૫


મહેમાન બનનારા મટે નાની મંચી, પોચી ગાદલી, અરે બાળોતિયાંના ટુકડા પણ પોતે ચીવટ રાખીને તૈયાર કરેલા.

એ જ ડોસાએ જ્યારે પ્રસવ સામે દીઠો ત્યારે એક ધ્રુજારી અનુભવી. એનું હૈયું પાછું પડ્યું. એની અંતર-ગુહામાં બેઠેલો સંસારી બોલી ઊઠ્યો : અલ્યા એઈ ! પણ આ બાળક કોનું? ને આ શી વાત ! અલ્યા આ દીકરાની નામરદાઇનાં નગારાં વગડાવછ ! અલ્યા આ ચીસો પાડનારી લગીરે લજવાતી નથી !

ઝાઝા વિચારોએ એને જાણે કે પીંખી નાખ્યો. એને સ્વેદ વળી ગયો ને આજના એક મહિનાથી જે શૌર્ય-શબ્દ 'બડકમદાર' એના મોંને જંપવા નહોતો દેતો તે એના ગળાની નીચે રોકાઈ ગયો.

'બાપુજી ! બાપુજી ! ઓ મારા બાપુજી ઈ-ઈ-ઈ.' ચીસો ઊઠતી રહી, ચીસ પાડનારી રાહ જોતી રહી કે હમણાં પડકારશે ડોસા, 'બડકમદાર !' એટલે હું માનીશ કે મારા સસરા મારી વહાર કરવા, મને દાનવોથી રક્ષવા આંહીં જ બેઠા છે, પણ કોઈ ન બોલ્યું 'બડકમદાર !'

સોમેશ્વરને લજજાએ, નબળા વિચારોએ ને આ ચીસોની નફટાઈએ ભાંગી નાખ્યો. એણે કાન આડી હથેળીઓ દીધી. એણે વહુના પ્રસવ-ખંડની પરશાળ છોડી દીધી. એ જાણે કે નાઠો, પણ નાસીને જાય ક્યાં ? નાસીને જવાનું એક જ ઠેકાણું હતું : પાછલી પરશાળે પડેલો અંધા જયેષ્ઠારામનો લબાચો.

સોમેશ્વર સરકીને ત્યાં પહોંચ્યા, એણે જઇને જયેષ્ઠારામના હાથ ઝાલી લીધા, એના મોંમાંથી 'કરમ ! કરમ !' એવા ઉદ્ગાસર નીકળ્યા.

જયેષ્ઠારામે ઘરમાં જાણે કશું જ બનતું નથી એવા મિજાજે કહ્યું : 'કાં દવેજી ! આજ તમારૂં 'બડકમદાર' ક્યાં તબડકાવી ગયું ?'