પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૩૮ : તુલસી-ક્યારો


'પણ હું નથી ગણતી. ગણવાનો મને હક્ક નથી. મળવાની હું અધિકારિણી નથી. મને તો હજુ પણ મનમાં ખાતરી થતી નથી કે તમારો મેળાપ વહેલો વાંચ્છું કે મોડો ! કેટલું તપ તપું તો ફરીથી મારે, તમારે, દેવુને ને એની ભવિષ્યમાં આવનારી વહુને, ભદ્રાબાને, યમુનાબાને, બાપુજીને, ને મામજીને પણ આવાં વીતકો વેઠવાં ન પડે ?

'રાતમાં ઝબકું છું. ઝબકે ઝબકે તમે આવ્યા હોવાના ભણકારા ઊઠે છે. ખાટલાની ઓશીકાની બાજુએ તમે જાણે આવીને બેસો છો. પણ હું સવારે ઊઠીને તુલસીક્યારે એટલું જ પ્રાર્થું છું કે એ બધું હું જ વેઠીશ : પણ ફરી વાર અમારે આવા વિજોગ ન પડે તેટલું તપ તો મારી પાસે જરૂર તપાવી લેજો હો તુલસીમા !

લી૦ તમારી છું

એમ કહેતાંય લજવાતી


કંચન'


* * *

તે પછીથી ઘેરથી નિયમિત અનિયમિત બીજા પણ કાગળો આવતા રહ્યા. યુદ્ધ વધુ દારુણ બન્યું. પોતાની તક એ મુસલમાન ડૉક્ટરને આપ્યા પછી બીજી તક મેળવતાં વીરસુતને મહિના પર મહિના વીતવા લાગ્યા. વીરસુતે પણ પોતાના હૃદયને તુલસીક્યારે કંચનની જ પ્રાથના રટ્યા કરી કે 'હે જગજ્જનની ! જેટલું તપાવવું હોય તેટલું તપ અત્યારે સામટું તપાવી લેજો. પણ મારા દેવુના સંસારમાં અમારી વિષવેલડીનું ઊંડે ય મૂળિયું ન રહી જાય એવું કરજો.'

સંપૂર્ણ