પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દેરાણી : ૨૭


ગાડી યાર્ડની બહાર નીકળી ગઈ ત્યાં સુધી રાડો પાડી પાડીને ભલામણો કર્યે જતું ભદ્રાબાનું મોં બીજા ઉતારૂઓને તમજ પ્લેટફોર્મ પરનાં માણસોને પણ જોવા જેવું લાગ્યું. મુંડન કરાવેલી એ મુખાકૃતિ એના હજુ ય ન કરમાએલા યૌવનની ચાડી ખાતી હતી.

નાની અનસુ આખી વાટે યાદ આવતી હતી, પોતે જ પોતાના દિલને ઠપકો દેતી આવતી હતી, ને એટલેથી દિલ દબાતું નહોતું તેથી સાથેની સ્ત્રીઓ જોડે પણ મોટે સાદે વાતો કરી કરી મનનએ શરમાવતી હતી: 'સાચું કે'જો બા, છોકરીને ફૂલ પેઠે સાચવનાર સાસરો ઘેર બેઠો હોય પછી વળી મનને વળગણ શાની? છોકરી છોકરી કરી ક્યાંક લગી મરી રે'વું ! એવો અભાગીઓ જીવ તે શા ખપનો ! દૈવ જાણે, ઓંચીતા ક્યાંક જમનું તેડું આવે તો બહુ હેળવેલી છોકરીને કેવી વપત્ય પડે!'

અમદાવાદ સ્ટેશને સાંજના ચાર વાગે જ્યારે ગાડી પહોંચી ત્યારે એણે તો માનેલું કે હરવખતની માફક પ્રોફેસર દિયરના ઘરનો હિસાબ કિતાબ રાખનારો ને માલ થાલ લઇ આવનારો મહેતો જ તેડવા આવેલો હશે. તેને બદલે તો પ્લેટફોર્મ પરથી એક વાદળી રંગની સોનેરી કોર વાળી સાડી પહેરેલી, અને તે ઉપર ચડાવેલા સ્વેટરના ખિસ્સામાં હાથ નાખી ઉભેલી એક સ્ત્રીએ હાથ ઊંચો કર્યો. ભદ્રાએ એને થોડી મહેનતે જ ઓળખી. એ તો દેરાણી કંચનગૌરી જ છે ને શું !

હૈયામાં ઉમળકો આવ્યો.

આખા દિવસનું તલખેલું હૈયું પોતાની દેરાણીની ખુદની હાજરી જોઇ પ્રફુલ્લિત બન્યું.

પોતે જલદી જલદી નીચે ઊતરીને નાની ટ્રંક પણ ખેંચી લીધી.