લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૪૪ : તુલસી-ક્યારો

'તેં મને પૂછ્યું ય નહિ ભલા?'

'પરમ દિવસે જ નક્કી કરેલું ને?'

'અત્યારે મને પેટમઆં દુઃખતું સ્હેજ મટ્યું છે. ત્યાં જઈએ ને વધી પડશે તો?'

'તો આપણે રસ્તામાં ડોક્ટરને ત્યાં થતા જઈએ. તમે એક ડોઝ પી લો. બીજા ડોઝ સાથે રાખીએ ને ગરમ પાણીની કોથળી પણ હું સાથે લઈ લઉં છું.'

આ બધું કંચન છેક સ્વાભાવિક રીતે જ બોલી ગઈ. પોતે જે બોલી તેનો શબ્દેશબ્દ એ સાચો જ માનતી હતી. પતિના પેટનો દુઃખાવો એ સત્ય વાત હતી : મિત્રોમાં જમવા જવું, એ પણ એટલી જ સત્ય વાત હતી : પેટના દુઃખાવા માટે 'ડોઝ' લેવાનો હજુ વખત છે એ પણ સત્ય વાત હતી. ન જઈએ તો કેટલા બધાં માણસો નિરાશ થાય, એ પણ સત્ય હતું.

'એ બધી માથાકૂટ કરવા કરતાં, મને તો એમ થાય છે કંચન, કે તું એકલી જ ન જઈ આવે?'

' તો પછી એમ જ કહો ને, કે તમને મારી સાથે આવવું આજે ગમતું નથી !' એમ કહીને કંચન પોતે કપડાં ઘરેણાં પહેરવા માટે જે કબાટ ઉઘાડી રહી હતી તે પાછો બીડવા લાગી.

'નહિ નહિ, તને એમ લાગતું હોય તો ચાલ, હું દુઃખતે પેટે પણ આવીશ.'

'મટી ગયું કહો છો, ને પાછા કહો છો કે દુઃખતે પેટે આવીશ ! કેટલું જુદું જુદું બોલો છો તમે પણ !'

'ચાલ, એ પણ નહિ બોલું. હવે તું ભલી થઈને કપડાં પહેરી લે.'