લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
લગ્ન : જૂનું ને નવું : ૬૩


કન્યાઓનાં કહેણ તરછોડ્યાં હતાં, ને પોતે અમદાવાદ ચાલ્યો ગયો હતો. ત્યાં એને જે આશ્વાસન જોતું હતું તે મળ્યું હતું. ત્યાં એણે હોસ્ટેલમાંથી નીકળી જઈ એમ. એ. નો અભ્યાસ જુદું મકાન રાખીને જ કરવા માંડ્યો. અભ્યાસમાં સોબત આપવા માટે બે ચાર યુવતીઓ અવારનવાર આવી જતી, પોતે પણ તેમના છાત્રાલયમાં અથવા જેઓ ગામમાં જ રહેતાં તેમનાં માતાપિતાને ઘેર જતો આવતો થયો હતો. કોઇ કુમારી તેને પોતાની ન્યાતનાં સ્ત્રીમંડળોમાં ભાષણ દેવા નોતરી જતી તો કોઈ વળી મજૂર-લતામાં પોતે જે બાળવર્ગ ચલાવતી તેમાં ઇનામ વહેંચવા લઇ જતી.

તે સૌમાં કંચનનું સુવર્ણ વધુ ઝગારા મારતું. કંચનતો હરિજનવાસનાં બૈરાંને ભણવવાનો વર્ગ ચલાવતી. કંચનને આ સેવા જીવનમાં લગાવનાર ભાસ્કરભાઇ હતા. કંચનના માબાપ આફ્રિકાના જંગબારમાં રહેતાં અને દીકરીને અહીં રાખી ભણાવતાં રહેતાં. એનું વેવિશાળ તો નાનપણથી થયું હતું. પણએનાં માબાપ નવા વિચારમાં ભળ્યાં, દીકરીને એમણે ભણાવવા માંડી, સાસરિયાંને એ ગમ્યું નહિ. ઉપરાઉપરી કહેવરાવ્યું કે પરણ્યા પછી ભલે ફાવે તેટલું ભણે, અત્યારે નહિ ભણવા દઈએ. પણ માવતરે હિંમત કરીને કંચનને મેટ્રીક કરાવી પછી અમદાવાદ ભણવા બેધડક મોકલી દીધી હતી. આને પરિણામે જૂનું સગપણ તૂટ્યું હતું. દરમ્યાન માબાપનું ત્યાં જંગબારમાં મૃત્યુ થયું એટલે કંચન સ્વતંત્ર બની હતી.

સગપણ તોડાવવામાં ભાસ્કરભાઈનો મોટો પાડ હતો. એણે કંચનની તેજસ્વી બુદ્ધિશક્તિ પારખી લીધી હતી. તે પછી એક વાર બસ-ખટારાના સ્ટેન્ડ પર ઊભાં ઊભાં બેઉ જણને ઠીક ઠીક એકાંત મળી ગયેલ. વાતનો પહેલો તાંતનો ખેંચતાં તો ભાસ્કરભાઇને સરસ આવડતું હતું. ને તાંતણો ખેંચ્યા પછી મુસાફરી પણ બેઉએ સાથે કરવા