પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૬૪ : તુલસી -ક્યારો


માંડી. પછી તો એજ મોટર-બસ જ્યાં જ્યાં લઇ ગઈ ત્યાં ત્યાં બેઉ જોડે જ ગયેલાં ને આખી વાત જાણ્યા પછી ભાસ્કરે એનાં મા બાપ સાથે તેમ જ સાસરિયાં સાથે પત્રવ્યવહાર માંડી દીધો હતો. છ જ મહિનામાં વેવિશાળ ફોક થયું હતું.

પછી કંચનને માટે ભાસ્કરે ત્રણ ચાર જુવાનોને ચકાસ્યા હતા. એક પછી એક એ ત્રણે સાથે કંચન ઘાટા ઘાટા સંબંધમાં આવી ગઇ હતી, એક પછી એક એ ત્રણેની સાથે કંચનને વિચ્છેદ પણ ભાસ્કરે જ પડાવ્યો હતો. મનના ઠીક ઠીક મેળ મળી ગયા પછી આ ઉપરાઉપરી ત્રણ ઠેકાણેથી કંચનને હ્રદય ઊતરડવું પડ્યું હતું કારણકે ભાસ્કરે એ પ્રત્યેક સંબંધ તોડ્યાનાં જોરદાર કારણો આપ્યાં હતાં-

'સુમન તને બેવફા છે, એ પેલી મનોરમા પાછળ દોડે છે.'

'જયંતિ તારા ને મારા સંબંધની ઇર્ષ્યા કરે છે કંચન ! એ તો એક ઠેકાણે એટલે સુધી બોલી ગયો છે કે પરણી લીધા પછી જોઇ લઇશ, કે કેમ સંબંધ રાખે છે: ઘરમાં પૂરીને મારીશ !'

મઝમુદાર વિષે પણ કશીક એવી જ વાત કરેલી : 'એ છોકરો દારૂડિયો નીવડશે તો હું નવાઇ નહિ પામું કંચન.'

આ ત્રણેક સંબંધો ચૂંથાઈ રહ્યાં, ત્યાં વીરસુત પણ વિજ્ઞાનમાં પહેલો વર્ગ મેળાવીને અમદાવાદની કોલેજમાં પ્રોફેસર નિમાઈ ચૂક્યો. એટલે ભાસ્કરે કંચનના તોપખાનાને એ દિશામાં નિશાન લેવરાવ્યું. ને એ નિશાન પડતાં ઝાઝી વાર ન લાગી.

લગ્નની સાંજે ભાસ્કર વીરસુતને દૂર દૂર ફરવા તેડી ગયો હતો. કાંકરીઆ તળાવની પાળે બેઉ ફરી ફરી એક ઠેકાણે બેઠા હતા. ભાસ્કરે કહ્યું હતું 'તું જાણે છે વીરસુત, કે મારા જીવનમાં હું કેવો વિનાશ