પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દેવુનો કાગળ : ૬૯


વાયડી ચીજ ખાવા દેશો નહિ, બાને ભજીઆં ખાવાં હોય તો મગની વાટી દાળનાં કરી દેજો, ચણાની દાળનાં નહિ. બાને શું થાય છે તે બાપુ નહિ લખે, શરમાશે, માટે તમે લખજો, દાદા દવા મોકલશે. બાને દાદાએ આશીર્વાદ લખાવ્યા છે, બાને બાફોઇએ સાંભર્યાં છે. અનસુ ઉંઘી ગઈ છે. ત્યાં બાપુજી શું કરે છે? ઘી ચોખ્ખું જોતું હોય તો દાદા મોકલે.

લી. દેવ

ભદ્રા જ્યારે આ કાગળનો અક્કેક અક્ષર બેસારતી હતી, ત્યારે મોટરમાં બેસીને ભાસ્કરને ઘેર જતી કંચન પણ આ કાગળનો અક્ષરે અક્ષર યાદ કરતી જતી હતી. એ જુઠ્ઠું બોલી હતી. એને એકેય અક્ષર ઉકેલ્યા વગરનો રહ્યો નહોતો. (કેમકે જૂના જમાનાની માસ્તરગીરી કરનાર દાદાજીએ દેવુને મોન્ટેસોરી પદ્ધતિની દયા પર છોડી ન મૂકતાં કોપીબુક વગેરે સારા અક્ષરો કઢાવવાની જૂની ગણાતી પદ્ધતિથી પૂરી તાલીમ આપી હતી.)

અને કાગળ વાંચ્યે કંચનનું માથું દુઃખવા આવ્યું હતું તે વાત પણ જુઠી હતી. એક નાનકડા કાગળની વાતમાં પોતે બે જુઠાંણાં શામાટે બોલી હતી તે વિચાર એને અચાનક આવ્યો. એ કરતાંય વધુ ગંભીર જુઠાણાં તો પોતે કેટલી યે વાર બોલતી હતી. પણ બોલ્યા પછી બીજી જ પળે એનો વિચાર-દોર પોતે કાપી નાખતી. દેવુના કાગળની બાબતમાં આમ ન થઈ શક્યું. પ્રથમ તો પોતે છૂપો ગર્વ અનુભવ્યો કે મારા માટે આટલાં બધાં લોકો કેવાં લટ્ટુ થઈ રહ્યાં છે. થાય તો ખરાં જ ને ! ન થાય તો જાય ક્યાં ? ભૂંડી ગરીબીમાં સબડતાં હતાં તેમાંથી બહાર તો મારા ધણીએ કાઢ્યાં છે ને !

ધણીની કમાઈનું એ ગુમાન, એક પલમાં તો મગર પૂછડું મારીને પાણીમાં પેસી જાય તેમ કંચનના મન પર એક પ્રહાર લગાવીને શમી ગયું.