પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૭૬ : તુલસી-ક્યારો


આટલું એ પૂરૂં વિચારી રહ્યો નથી ત્યાં તો ભાસ્કરે કહ્યું :- 'લે ત્યારે કંચન, ભેગાભેગી મારા હાથનાં કાંડા પણ ચોળી દે. મને બધો જ થાક ઊતરી જશે. તું આટલું સરસ ચોળી જાણે છે ત્યારે તો શું ! વીરસુત બડો ભાગ્યશાળી છે.'

વીરસુત કશું બોલી શક્યો નહિ. કંચન પણ એની સામે જોયા વગર જ તેલ લઇ ભાસ્કરના હાથ ચોળવા મંડી.

વીરસુતને એકાએક આ ક્રિયાથી ખટક લાગી હતી તે શું ભાસ્કર પામી ગયો હતો? ને તેથી જ શું એ ક્રિયાને સ્વાભાવિક નિર્વિકારી ક્રિયા તરીકે દેખાડવા આ ચાલાકી કરી રહ્યો હતો ? કે ખરે જ શું ભાસ્કરનું મન આ માલેસી, આ ચંપી તેમ જ આ ખોળામાં માથું લેવાની ક્રિયામાં વિકારદૃષ્ટિએ જોતું જ નહોતું?

જાણવું કઠિન હતું. કળાનો અર્થ જ એ કે પોતાના કાર્યને કુદરતી, સ્વાભાવિક, નૈસર્ગિક કરી બતાવે. સાચી કલા જ એનું નામ કે જે કાગળ પર ચિતરેલા ઝાડને સરોવરને ધરતી પરનું જ ઝાડ કે સરોવર હોવા જેવી ભ્રાંતિ કરાવે. એમ જો ભાસ્કર કુશલ કલાકાર હોય તો એ આખી જ ક્રિયાને કુદરતી સારવારનું સ્વરૂપ કેમ ન આપી શકે?

વીરસુતની તાકાત નહોતી કે એ માલીસી અટકાવી શકે.

માલીસ પૂરૂં થઇ રહ્યું ત્યારે એણે કંચનને કહ્યું : 'ચાલો જઇએ.'

'તું તારે ગાડી લઇ જા, એને હું હમણાં મુકી જાઉં છું.' ભાસ્કરે સૂતે સૂતે ઠંડે કલેજે જવાબ વાળ્યો.

'ના, અમે જોડે જ જઇશું.' વીરસુત માંડ માંડ બોલી શક્યો.