પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નિર્વિકાર ! : ૭૭


'જાણ્યું એ તો તું હિંદુ નારીનો પતિ છે તે !' ભાસ્કરે ટાઢા ડામ ચાંપવા માંડ્યા: 'પણ એનું કંઈ હાલતાં ને ચાલતાં પ્રદર્શન હોય?'

'નહિ, ચાલ કંચન.' એમ કહી વીરસુતે કંચનનું કાંડું પકડ્યું. કંચન છોડાવવા ગઇ, પણ વીરસુતે દાબ વધાર્યો. કંચને 'ઓ મા !' કહી ભાસ્કર સામે જોયું. ભાસ્કરે હજુ પણ સૂતે સૂતે કહ્યું : 'હવે છોડે છે કે નહિ, બેવકૂફ?'

તમારે શું છે વચ્ચે આવવાનું?' વીરસુતે કાંડુ છોડ્યા વગર કહ્યું ને એણે કંચનનો હાથ ખેંચવો શરૂ રાખ્યો.

જાણે સ્નાન કરવા ઊઠતો હોય એવી શાંતિ ધરીને ભાસ્કર ઊભો થયો. એણે સીધા જઇને પહેલું તો બહાર જવાનું બારણું બંધ કરી દીધું ને પછી એ વીરસુત તરફ વળ્યો. એ રોષ કરતો ત્યારે ડોળા ન ફાડતો, પણ આંખો પર પોપચાં સવિશેષ ઢાંકી વાળતો. જાડાં જાડાં ભવાંવાળી અર્ધમીંચેલ આંખો સાથે, બે હાથ સ્હેજ પહોળાવી, ધીમા પ્રમાણબદ્ધ પગલે ચાલ્યા આવતા ભાસ્કરનો સીનો આસુરી બન્યો. એનાં મોંમાંથી હાં-હાં-હાં-હાં એવા ગાનનાં જે તાન નીકળતાં હતાં તેણે એની આકૃતિને વધુ ભયાનકતા પહેરાવી. એણે એટલો તો જલદીથી ધસારો કરી નાખ્યો કે વીરસુતને દૂર થવાની તક જ ન મળી.

એના હાથના તમાચા ને પગની પાટુઓ વીરસુત ઉપર જરીકે ઊંચો અવાજ થયા વગર જ વરસી રહી. 'લઇ જા-લે લઈ જા - હું જોઉં છું તું કેમ લઇ જાછ!' હાં-હાં-હાં-હાં-' એ સંગીત સ્વરો પણ સાથોસાથ ચાલતા હતા. કેમ જાણે માણસ નહાતો હોય !

વીરસુત પહેલી હારનો વિદ્વાન હોઇ શરીરે કમજોર હતો.

'તું શા માટે ગભરાય છે હવે?' એ વીરસ્તુરને મારતો મારતો હેબતાઈ ગએલી કંચનને હિંમત આપતો હતો. કંચન કહેતી હતી 'હવે રહેવા દો, હવે બસ કરો ને ! હવે નહિ-ભૈ નહિ.'