હતું ને આ દેવ શું કહી રહ્યો છે? અમદાવાદ જઈ બાને લઈ આવવાનું? કોની બાને? અનસુની બાને ? કે પોતાની સાવકી બાને? એને બા કહી શકાય? એ કોઈની બા થઇ શકે ? એ સગા બાળકની બા નથી થઇ હજુ, તો એ દેવની બા શી રીતે બની શકશે? એ આંહીં આવશે ? આ ઘરમાં પગ મૂકવા દેવાય એને ?
કાન માંડીને માસ્તર બહાર થતી વાત સાંભળવા લાગ્યા: દેવ શું કહી રહ્યો છે? એ તો ગાંડીને કહે છે : 'બાફોઇ, તમે ઘર સાચવશો? અનસુને રાખશો ? તમે રસોઇ કરતાં કરતાં કપડું નહિ બાળોને ? તો હું અમદાવાદ જઈને બાને તેડી આવું હો બાફોઇ? જુવો બા ફોઇ, ગાડી હમણાં જ જાય છે.'
ડોસાએ આ શબ્દો સાંભળ્યા, એના શરીરમાં સ્ફૂર્તિ આવી. એણે કામળો દૂર કર્યો. ઊઠીને એણે બારણું ખોલ્યું. એના મોં ઉપર છેલ્લા એક જ પહોરમાં તો જાણે કાળ હળ ખેડી ગયો હતો !
અનસુની આંખોમાંથી આંસુ તો હજુ દડ દડ વહેતાં હતાં ત્યાં જ અનસુ દાદાજીના સામે પોતાના હાથ લંબાવતી હસી પડી. એને તેડીને દાદાએ દેવુને ઓરડામાં લીધો. પૂછ્યું, 'તું શું કહેતો હતો ?' એના ગળામાં ડૂમો હતો.
'હું અમદાવાઅદ જઉં દાદા, મારે મારાં બાને મળવું છે.'
'તેં વાંચ્યું દેવ?'
'હા દાદા, મારે બાને મળવું છે. એક વાર મળવું છે.' બોલતો બોલતો એ પોતાનાં આંસુ અણછતાં રાખવા માટે ઊંચે છાપરા તરફ જોતો હતો.
'મળીને...?'