પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લલાટમાં જાણે કે અજવળી ચોથ-પાંચમનો ચાંદો અને શુક્રનો તારલો ઝીલ્યાં હતાં.

એનો ઘેરદાર ઘાઘરો મેલો અને થીગડાંવાળો છતાં પાતળી કેડને બંધ બેસતો એટલે મેલો ને થીગડાંવાળો દેખાતો જ નહિ. દેખાતો ફક્ત તેઓને જ, જેઓ તેજુના દેહની પ્રત્યેક રેખાને અને પ્રત્યેક મરોડને નિહાળી નિહાળીને જોવાની ટેવ રાખતા. એના મસ્તકે ઇંઢોણી ઉપર નાની નાની બે ત્રણ કુરડીઓ હતી. હાથમાં છૂંદણાં ત્રોફવાની સોય પૂરેલી લાકડાની ભૂગળી હતી.

બે રૂપાળી કન્યાઓ એક ખડકીમાં ઊભી રહી હતી. તેમના પોશાક ગામડાના નહોતા. 'અમને છૂંદણાં, મોટી બા અમને છૂંદણાં!' કહી એ બેઉ જણીઓ ગામડાને ન શોભે તેવા કૂદકા મારવા લાગી.

"ત્રોફાવવાં છે?" તેજુડીએ પૂછ્યું : "આવડાં મોટાં થઈને ત્રાજવાં ત્રોફાવ્યાં નથી તમે?"

"ત્રાજ્વાં શું?"

"જુઓને આ રિયાં." કહી તેજુએ પોતાના હાથ, પગ ને છાતી બતાવ્યાં.

"અંદર આવ. અમનેય ચીતરી આપ."

અમરચંદ શેઠની ઓશરી પર તેજુએ કુરડીઓ ઉતારી અને ઘાઘરાનો ઘેર પાથરીને તેજુ બેઠી. શેઠની એ બે ભાણેજો મુંબઈની હતી. દીકરી મરી ગઈ હતી. જમાઈને ફોસલાવીને બેઉને લઈ આવ્યા હતા. ઊજળા તેમના દેહના વાન હતા. સીસમ-વરણા અમરચંદની અને ઘોડા-મુખી ઝમકુ શેઠાણીની જોડલીમાંથી આવી દેવતાઈ રૂપની ભાણીઓને સર્જાવનારું વિધાતાનું રસાયણ કેટાલું બધુમ્ મતિ મૂંઝવનારું હતું ! કદરૂપાં માબાપની કૂખે રૂપ રૂપના અવતાર મૂકનારી કુદરત કેટલી મનમોજીલી અને ધૂની હોવી જોઈએ !

"આંહી આવો, ક્યાં ગયાં?" અમરચંદ શેઠ પોતાનાં વહુને એકાન્તમાં ગધાડી અને રામ્ડ-ભૂંડણ કહી બોલાવતા, પણ જાહેરમાં એ ચીંથરા જેવી પત્નીનું પણ બહુમાન કરતા.