પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૭
વસુંધરાના વહાલાં-દવલાં
 

વાર્તાલાપ થયો. વાર્તાલાપને અંતે પ્રસન્ન વદને તેજુના પિતા બોલ્યાં : “બીજું તો બધું ઠીક છે, શેઠિયા ! અમારે તો અમારી ચંપા સુખમાં પડે છે એ જ મોટો સંતોષ છે !”

“મારી પણ એ જ અભિલાષા છે, ભાઈ !” યાત્રાળુ સજ્જને મુખ-રેખાઓમાં કોઈ અદભૂત માર્દવ મૂકીને કહ્યું : “કે ત્રણ-ત્રણ પત્નીઓના પ્રારબ્ધમાંથી ખાદી પડેલી મારી સંપતિ સુપાત્રના હાથમાં સોપાય, તે તમને વાંધો ન હોય તો આજે જ ઉકેલી લઈએ.”

“અમારી પણ એ જ મનકામના છે. ફક્ત જરા કુનેહથી કામ લેવું પડશે આપને.”

“કહો.”

“અમારો જુવાનજોધ દીકરો એક વર્ષ પર અનમે રડતા મૂકીને વૈકુંઠ વળ્યો છે. અમે તો દીકરીની સામે દેખીને આંખોના પાણી સમાવી લીધા છે, પણ ચંપાને એનો ભાઈ અતિશય વહાલો હતો. વળી એ એક જુવાન વિધવાને મૂકીને ગયો છે એટલે ચંપા દીકરીના વલોપાતનો કોઈ પાર નથી રહ્યો. એણે તો વિધવા ભાભીની જોડે કુવારું વૈધવ્ય ખેંચવાનો નિશ્ચય કરી લીધો હતો. એણે બાપડીએ દુનિયાની મીઠાશ ચાખી નથી ને ત્યાં સુધી જ આ હઠાગ્રહ પકડીને બેઠી છે. માંડમાંડ માનવી છે. એટલે એને આઘાત ન લાગી જાય એવી સરળતાથી લગ્ન ઉકેલવા પડશે.”

“કહો, કેવી રીતે ?”

“અમે એને જાત્રાને બહાને જ ખેંચી લાવેલ છીએ, એટલે લગ્નવિધિ પણ યાત્રક્રિયાની સાથે જ સમેટી લઈએ.”

“સુખેથી !”

“ને પછી અમે છાનામાના વિખૂટા પડી જઈએ તો આપ એને સાચવી લેજો. અમારે ઘેર જુવાન વિધવા છે, શેઠ ! સાપનો ભારો સાચવવાનો છે.”

“કઈ મોટી વાત છે ? “

“કશો જ આડંબર કરવો નથી.”