પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૨
વસુંધરાના વહાલાં-દવલાં
 

જાવા ઠેકાણું તો હવે એક જેલ જ રહી છે – ચાય તોય એ ઘરતી તો મને સંઘરશે !”

વરરાજાને બીજો વિચાર આવ્યો. હવે આને જેલમાં મોકલ્યે પણ શો સાર કાઢવાનો છું. ? આને રવાના જ કરી દઉં ? ના, ના, એ સિવાય પણ બીજો માર્ગ છે એ કાં ન લઉં ?

એને તેજુને પૂછ્યું : “તું વાણિયાણી બની શકીશ ? મારું ઘર ચલાવીશ ? મારે પણ ધરતીમાં કોઈ નથી.”

“કાકા, તમે પૈસાદાર અને આબરૂદાર છો. તમારા કુળનું કલંક બનવા મારે નથી આવવું. તમે મારા બાપ જેવા લાગો છો.”

“તું સમજી લે – મારે આબરૂ નથી. પૈસા હતા તે તમામથી નાહી પરવાર્યો છું. દુનિયામાં હું એકલો છું. હું ટાણે ને તું મને – એમ બેઉ એકબીજાને ઢાંકીને રહેશું. તું વાઘરણ હો, હલકી હો, જે હો તે હો, પણ તારા બોલ પર મને ભરોસો બેસે છે. તું એકલી છો. એકવાર મારે સંસાર ચલાવવાની અબળખા હતી. અમે ત્રણ ભાઈઓ હતા – બે તો ઘર ઘર ઝંખતા મૂંઆ, હું ત્રીજો.........મારી દયા નથી આવતી ?”

તેજુના કાને આખા જીવનની અંદર આજ પહેલી જ વાર ‘દયાની યાચના’ પડી. સેકન્ડ ક્લાસની રોશનીમાં મુસાફરી કરતો એક માણસ તેજુ જેવી દીન-ઉતાર આનાથીની પાસે દયા માગીને નેત્રોમાં જલજલિયા ઉભરાવતો હતો. પારકા પર અહેશાન કરવાની હજારો ર્હદયોમાં પડેલી, વાંઝણી ને વાંઝણી અવસાન પામી જતી વૃતિ પોતાની સાર્થકતાની એકાદ ગર્વ-ઘડીને માટે તલસાટ કરતી હોય છે, ભર દુનિયામાં આવી દયામણી રીતે લૂંટાયેલો ઉજળિયાત આદમી તેજુ જેવી નપાવટ ઠરેલી છોકરીની દીલોસોજી માંગતો હતો. એ એક મોટો બનાવ બની ગયો. નાના માનવીના જીવનમાં બનતો એ મહાન અવસર : સમાજ જેને લલચાવવા, ફસાવવા, બગાડવા, ગાળો ને મારપીટ કરવા સોદાસાટા કરવાનો સહજ જ હક્ક સમજે છે, ને બહુ બહુ તો જેની પામરતા પર ડાયા ખાય છે ને સુંદરતા પર ગુપ્ત હિંસાવૃતિ મોકળી મૂકે છે, ‘રાંડ’ કહીને જ જેના