પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૩
વસુંધરાના વહાલાં-દવલાં
 

જોબનની મીઠાશ મેળવવા માગે છે, તે જ સમાજનો એક માનવી તેજુની દયા માગતો પોતાનું ઘર ચલાવવા વીનવતો હતો.

“કાકા !” તેજુએ એની સામે ટીકી ટીકીને ઘણી વારે એની ઉત્સુકતા પર પ્રહાર કર્યો : “હું તમારી દીકરી થઈને રહેવા જોગ છું. તમને દેખીને મને મારો બાપ સાંભરે છે, કાકા !”

‘કાકા’ ના મો પરથી છેલ્લી અભિલાષા રજા લઇ ગઈ. એ અભિલાષા તો દુનિયાની એકાદ કોઈ સ્ત્રીના દાંપત્ય-ભાવની રાહ જોતી જલતી હતી. વિધિસર લગ્ન કરીને આણેલી એક રઝળું ઓરત, જગતની ફેકી દીઠેલી એઠ આ ઓરત, તે પણ એને સ્વામી તરીકેના હક્ક આપવા તૈયાર નહોતી. વેદનાની જીવાત એના કલેજાને ખૂણેખૂણેથી સળવળી ઉઠી. પણ હવે બીજો માર્ગ નહોતો. હવે તો મૃત્યુનું તેડું આવતા સુધીની એકલતાને જ ખેંચી કાઢવાની વાત હતી. તાવ આવે ત્યારે કોઈ પથારી કરી પાણીનો પ્યાલો મોએ ધરનાર, દુખતા માથા પર લવિગ વાટીને ચોપડનાર, પગના કળતરને કોઈક ચાંપી દેનાર અને બીજું તો કાઈ નહિ પણ સૂનકાર ઘરમાં સાંજનો એક દીવો પેટાવીને પાટલા ઢાળી વાટ જોનાર પુત્રીના જ ફાંફાં મારવા રહ્યા હતા.

“તારો બાપ મારા જેવો જ દખીયારો અને એકલવાયો હતો ?”

તેજુએ ડોકુ હલાવ્યું : “એનેય સંસારમાં કોઈ નહોતું.”

“તારી માં ?”

“ મારી માની વાત એણે મને કહી જ નથી. તાવમાં પડ્યો પડ્યો બાપ એક વાર લવતો હતો : મારી માના ને એના મેળા તો માના મોતટાણે જ થયા’તા.”

પુરૂષને કઈ સમજ ન પડી.

“એ મારો બાપ નહિ હોય એમ મને લાગે છે. એણે મને ઉજેરી મોટી કરી’તી.”

“તારો બાપ કોણ ?”

“હું જાણતી નથી. મેં તો એને જ બાપ કરી માન્યો, ને એ મારો