પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"શું કો' છો?"

"ત્રાજવામ્ ત્રોફાવનારી આવી છે ને? શાંતા અને સુશીલાને નહિ બહુ મોટા, નહિ બહુ ઘાટાં, નહિ બહુ આછા, એવાં પાંખાં પાંખાં પણ સમી ભાત્યનાં ચિતરામણ ત્રોફાવજો હો કે!"

"તમારે એમાં ન કે'વું પડે"

"કે'વાની જરૂર તો નથી, પણ અભાગિયો જીવ રે'તો નથી. આપણે બધી બાબસ્તાનો વિચાર કરવો રિયો. હવે હવેમાં તો નવા વચ્ચારના વાયરા વાયા છે. જમાઇઓને ગમે ને ન યે ગમે. આપણે તો પાછી નાખી દેવી નથી ને ભાણિયુંને? બધી બાબસ્તાનો ભેળો વિચાર રાખજે, ભૂંડણ!”

“તમારા કરતાં ઈ બાબસ્તનો વચ્ચાર મને વધુ છે. તાળાં ડાયા થાવ મા. તમે તો આજ છો ને કાળની કોને ખબર્ય છે? જનમારો તો મારે મારે જ ખેંચવાનો છે ના!"

"તે તું શું મને તારી મોઢા આગળ કરવા માગછ?' અમરચંદ શેઠે પંચાવન વર્ષની ઉંમરે પણ જમણી આંખ ફાંગી કરી.

"તમારા મોંમા બાવળનો ખીલો!" શેઠાણીએ પોતાના સૌભાગ્યની ચૂડલીઓ - ચૂડલીઓ કહેવા કરતં એને બલોયાં કહીએ - ઉપર હાથ ફેરવ્યા. " આ તો હું એક વાત કરું છું. તમે બેઠે હું રાજરાણી છું, તમે તો મારા હાક્યમ જેવા છો. પણ પછે - વખત છે ને તમારી આંખ્ય માથું દુખ્યાં, તે દી'- તમે તો જાણો છો - પરતાપનો કામી ભરુંસો!"

એટલુંકહીને શેઠાણીએ પાંપણો પટપટાવી ને શેઠે એના મોં પર હાથ પસવાર્યા : "જા-જા-ગાંડી! મારું મન કોચવાઈ જાશે નાહક પ-" એટલું કહેતાં અમરચંદ શેઠનો સાદ ગળગળો બન્યો, ને શેઠાણીએ ઓશરીમાં જઈ સાદ કર્યો : "સુશીલા, શાંતા!"

પણ છોકરીઓ તો ત્રાજવાં ત્રોફાવનારી તેજુ પાસે ક્યારનીયે બેસી ગઈ હતી. સુશીલાના ગાલ પર સળી ભરીને નીલવરણું એક એક ટીપું મૂકી તેજુ હળવા હળવા હાથે સોય ત્રોફી રહી હતી. નીલા પ્રવાહીમાંથી