પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૫
વસુંધરાના વહાલાં-દવલાં
 

સ્ટેશન પર એના બે-ત્રણ સગાં હાજર હતા. એમણે ‘લાલાકાકા’ ને કોણ જાણે કેવીય વાંદરી જોડે ઉતરતા જોવાની ઉમેદ સેવી હતી. તેજુનું રૂપ અને એની મુખમુદ્રાએ ભત્રીજાઓને ચકરી ખવરાવી : કુળવાનનું ફરજદ જણાય છે : મો પર સંસ્કારની વેલ્યો ચડી છે : આવું બૈરું લાલાકાકાના ઘરમાં ? મારો બેટો, ચ્યોથી ઉઠાઈ લાયો ?

ભત્રીજાઓને ઈશારે એક મોટર આગળ ગાજતી ગઈ ને આખી બજારને એણે ખુશખબર આપ્યા : લાલકાકો પરણીને આયો ! મારો બેટો, બૈરું લાયો તો લાયો, પણ ગામ આખા પર આટલા વરસનું વેર વાળે તેવું લાયો !

લાલકાકાએ પ તે દિવસ ગામના ઉપર પૂરી દાઝ કાઢી, એને બજાર સોંસરી જ મોટરગાડીની સવારી કાઢી.

દુકાને દુકાને ને હાટડે હાટડે વકરી-ખરીદી થંભી રહ્યા. લાલકાકાના તો લગભગ બધા જ વેપારીઓ ભત્રીજાઓ હતા, એટલે તેજુને લાજ કાઢવાની જરૂર નહોતી.

પ્રત્યેક દુકાનેથી વ્યાપારીઓએ લાલકાકાને પૂછ્યું : “આવી ગયા ? વારુ ! વારુ ! શુભસ્ય શીઘ્રમ ભલું !”

સૌની સામે લાલકાકાએ હાથ જોડ્યા : “ભાઈઓના આશીર્વાદે ! તમારા સૌના રૂડા પ્રતાપે !”

એ શબ્દો હાથીદાત-શા હતા. પ્રત્યેક ભત્રીજાને નજરમાં સોયમાં પરોવતા લાલકાકા યાદ કરતા હતા કે –

‘હા, બચ્ચાઓ ! તમને એકએકને ઓળખું છું ! તમે મારી ઉમર ચાલીસ હતી તે દિવસથી છાપામાં મારી ઉમર પચાસની ઠેરવીને મારા થઉં થઉં થઇ રહેલા વેવિશાળને તોડાવ્યા છે ! આજ તમારા ઘરેઘરને અભડાવી મારીશ – સગવડ કરીને આયો છું. !’