પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૬
વસુંધરાના વહાલાં-દવલાં
 


14

એ ક્યાં છે?

પિતાનું નામ પ્રતાપભાઈએ જોતજોતામાં ભૂસી નાખ્યું. પિત્રાઈઓના ખોરડા ખરીદી લઈને શેઠે ફળિયું સુવાંગ કર્યું હતું. ભાંગેલી ખડકી ઉતરાવીને પ્રતાપ શેઠે ત્યાં ડેલો પડાવ્યો. ડાબી બાજુ ઓરડા, જમણી બાજુ તબેલા, ડેલાની અંદર સ્ત્રીઓને રહેવાળી નાની ડેલી, નાની ડેલીને નાનો ચોક, નાના ચોકને પણ કોર ઓટા, ઓટાને માથે ચાંદની રાતે તકિયા મૂકીને પ્રતાપરાય પત્નીના ખોળામાં પગ દબાવરાવે અને લીલાછમ તાજા રજકા બટકાવતી બે ઘોડીઓની લાદ પણ એક પ્રકારની સમૃદ્ધિદર્શક સુગંધે આખી ડેલીને ફોરાવી મૂકે.

શેઠિયો શોખીન નીકળ્યો. પિતાની નાનકડી હાટડી પણ પડાવી નાખવાના એને ઘણા માથા માર્યા, પણ અમરચંદ શેઠે કહ્યું કે હું જીવતો છું ત્યાં સુધી મારું એ જ બેસણું, ને મૂઆ પછીયે જો પડાવશો તો ભોરીંગ સરજીને હું ત્યાં ભમીશ એટલે એ એક ખૂણાનો ખાંચો મૂકને પ્રતાપ શેઠે એક માલ ઉપર લેવરાવ્યો. એ માળ તેમ જ ડેલી માથેની એ માઢમેડી પર ચડીને દરિયાકાંઠાની ખારવાણો જયારે ટીપણી ટીપી ત્યારે ફરતાં ગામોના સીમાડામાં એના રાસડા સંભળાયા. વિજયગઢથ આણેલી કીટસન લાઈટો મેડીને માથે આખી રાત ઝાગતી રહી પણ ટીપણી બંધ ન પડી. અને છ મહીને જે દિવસ વાસ્તુના અવસર પર ઇન્દ્રનગરના અધિકારીમંડળની એંઠમાંથી ગામનો ઢેઢ, ઢાઢી, મીર, વાઘરી ને ઝાપડો પેટપૂરતું મળ્યું ધાન પામ્યો તે દિવસથી પીપરડી ગામ ‘આઈ સોઢીબાઈની પીપરડી’ એ જૂની નામથી ઓળખાતું બંધ પડ્યું – મલકમાં નવું નામ ફરી વળ્યું : ‘પરતાપ અમરાની પીપરડી.’

તે દિવસથી પ્રતાપ શેઠે દાતણપાણી કરવા માટે ડેલીના ઓટા ઉપર બેઠક રાખી. તે દિવસથી ગામની પનિહારીઓએ પ્રતાપ શેઠની ડેલી પાસે થઇ ને નીકળવામાં જીવનનો મહિમા માન્યો. તે દીવસથી પાણી