પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૯
વસુંધરાના વહાલાં-દવલાં
 

“ પીપરડી. “

“ન બને. “

“ત્યારે ? “

“તમારા ગામથી ત્રણ જ ગાઉં પર ગૌતમગિરિની પ્રતિષ્ઠા મેં કરી છે એ કેમ ભૂલી ગયા ? એ નવીન તીર્થને મારે આબાદ બનાવવું છે. તમારે એ પુન્ય જોઈએ છે કે નહિ ? સ્ટેશનનું નામ ગૌતમગિરિ ન પડાવો તો પીપરડીનું પાણી મારે ને મારા સાધુઓને ખપશે નહિ. “

અને મુનિશ્રી મોહવિજયજી પ્રતાપ શેઠનો જમણો હાથ પોતાના પગને અંગૂઠે મુકવીને કોલ થઇ ગયા.

પચીસ ગાઉના ઘેરાવામાં ‘ પ્રતાપ શેઠ, પ્રતાપ શેઠ ‘ થઇ રહ્યું, અને પહેલી જ વાર ત્યાં આવતી રેલગાડીમાં પ્રતાપ શેઠ ખુદ ઠાકોર સાહેબના સલૂનો લઇ આવ્યા. ત્યાર પછી એ જુવાનના પ્રતાપી કીર્તિ-મંદિર પર સોનાનું ઈંડું ચડી ગયું.

આવી દોમદોમ સાહિબીની ઉપર એક ચિંતાની વાદળી તોળાઈ રહી હતી. પ્રતાપ શેઠનો સાત વર્ષનો લાડકો પુત્ર ગાળેલું શરીર લઈને મૂંઢાં હાથની સેજને માથે લોચતો હતો. એની પહેલાનો બાળક ત્રણ વર્ષની ઉમર લગભગ પથારીમાં જ વિતાવીને મૃત્યુ પામ્યો હતો. દાકતરોની દોડાદોડ થતી હતી. મોસંબીના કરંડિયા છેક મુંબઈથી ઉતરતા હતા. મહેમાનોની ભીડ ચોવીસ કલાક ચાલુ રહેતી. ઇન્દ્રનગરથી અધિકારીઓ પણ આટો ખાઈ જતા હતા. એક રીતે એ માંદગી હતી, બીજે સ્વરૂપે એ ઉત્સવ હતો. દુનિયાની દિલસોજી માનવીના આગણામાં છોળો મારે એ અવસર ઉત્સવ નામને લાયક છે.

દસ વર્ષ : ગામની સૂરત બદલાઈ ગઈ હતી ? ના, ના, એક પ્રતાપ શેઠના મેડી-માળિયા જ એ વધુ ભાંગેલા ગામની બરબાદીને આબાદી અને ઉજાસનો પોશાક પહેરાવતા ઊભા હતા. ચિતામાં બળતું શબ ઘણી ઘણી વાર બેઠું થઇ જાય છે, પણ એ બેઠા થવામાં પ્રાણ નથી હોતા. પીપરડી ગામના થોડાક ખોરડાના વિલાયતી નળિયા એટલે એ ગામના