પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૧
વસુંધરાના વહાલાં-દવલાં
 

ખાંખાખોળા કર્યા. એક નાનો સિક્કો એના હાથમાં આવ્યો. દસ વરસની કાટ ખાઈ ગયેલી એ એક ચારઆનીને એણે માંજીને ચળકતી કરી, લઈને એ શેઠના ઘર ભણી ચાલ્યો. બે વાર તો નાઉમેદ બનીને પાછો વળ્યો, ત્રીજી વાર ‘જે થાય તે ખરી’ એમ બોલીને એણે પગ ઉપડ્યા. દાતણ નાખવાને નિમિતે એ પ્રતાપ શેઠના અંદરના ઓરડાઓ સુધી પહોચ્યો. ઓરડાની અંદર ઢોલિયાને વીંટલાઈ વળી પુરુષો ને બૈરાનું ટોળું બેઠું હતું. અઠ્ઠાવીસ-ત્રીસ વર્ષની એક યુવતી ઓસરીની થાંભલીએ અઢેલીને આંસુ પાડતી હતી. એ પ્રતાપ શેઠની પત્ની હતી.

“મા !” વાઘરીએ કહ્યું.

“અત્યારે નહિ, ચાલ્યો જા, ભાઈ !” બાઈએ એને તરછોડ્યો.

“હું કશું માગવા નથી આવ્યો – આપવા આવ્યો છું.”

“શુ છે ? “

“મા, હું અક્કલહીણો છું. મારી પાંતીનું દંખ ન લગાડજો. પણ જો એક વાર, હૈયે બેસેન્ન બેસે તોયે, જો એક વાર, આ પયલીમાં દોરો પરોવી ભાઈને ગળે બાંધો તો બીજું તો કાઈ નહિ, માં, ભાઈના વિવા’ થશે તે દી અમેય ગળ્યો કોળિયો પામશું – એટલી જ મારી તો અબળખા છે, માડી ! “

શેઠ-પત્નીએ પાવલી સામે જોયું. વિક્રમ જેવા તત્વજ્ઞાનીએ પણ વહેમને વશ થઇ અમરતાની આશાએ કાગડો ખાધો હતો. શેઠ-પત્ની જે શ્રધ્ધા ને વહેમથી દવાદારૂ અને ઇન્જેકશનોને પણ અજમાવી ચૂકી હતી, તેવા જ વહેમથી પાવલીને પણ અંતકાળના એક લૂલા-પાંગળા ઈલાજ લેખે લઇ બેઠી. એને કોઈને જાણ થવા જ દીધી. પાવલીમાં છાનુંમાનું છેદ પડાવીને એણે તે દિવસ રાતે, જયારે સૌ જમવા ઊઠયા હતા ત્યારે બાળને કંઠે બાંધી દીધી.

જગતમાં ઘણા અકસ્માતો બને છે. એકસાથે બનતી ઘણી ઘટનાઓ કાર્ય-કારણની કડીઓના રૂપ ધારણ કરે છે. પ્રતાપ શેઠના પુત્રની બીમારીના વળતા પાણી થયા. વૈદોએ, દાક્તરોએ, સારવાર કરનારાઓએ – પ્રત્યેકે પોતપોતાના શિર ઉપર આ માહમૂલી જિંદગી બચાવ્યાની જશ-પાઘડી પહેરી લીધી, ને પ્રતાપ શેઠે પોતે પણ વ્યવહારજ્ઞ