દિવસ રહીને ફુલિયા વાઘરીને એકાંતે તેડાવ્યો ને ધમકાવ્યો : “ ગામ છોડવું છે ? શા દોરધાગા ચલાવવા માંડ્યા છે ? ડેબા ભાગી ગયા’તા એ ભૂલી ગયો ? હરામખોર, મારા જ ઘરમાં ?”
“માફ કરો, બાપા ! “ શેઠની મોજ લેવાની આશાએ આવેલ શેઠની ચંપલ પડી હતી તે મોમાં લઈને કરગરવા લાગ્યો : “ દસ વરસ લગી દલમાં સંઘરી રાખેલી લાલચમાં મારો પગ ભૂલથી પડી ગયો છે. હવે માફ કરો !”
“દસ વરસની શી વાત ? હજી મારો ખેધ છોડતા નથી કે તમે વાઘરા ?”
“બાપા સા’બ, મારો ગનો નથી. મેં તો સોપેલી વાતનો મારા દલ માથેથી ભાર ઉતર્યો છે. મારા સોણામાં આવી આવીને રોજ રગરગતું ને રોતું મો હું તે દી ન સંઘરી શક્યો. મને કહે છે કે : ફુલિયા ભાભા, પાવલી આજ નૈ આપ તો પંછે કે’દી આપીશ ? “
“કોણ કહેતું’તું ? કોનું મો રોતું તું ?”
“ભાઈસા’બ, મને ભઠશો માં, હો ? મેં આજ લાગી કોઈને નથી કહ્યું.”
“નહિ ભઠું, કહે.”
“તેજુડીનું મોં.”
પ્રતાપની આંખો નીચી ઢળી.
“એની દીધેલ જ એ પાય્લી : મને હાલતી વખતે સમ ખરાવી ખરાવી કીધું તું કે માદળડી ઘડાવીને ડોકમાં પે’રાવવાનું કે’જે, હો ફૂલાભાભા ? શરીરે નરવ્યા રે’શે ભાઈ ! પણ હું આંહી એ વાત લઈને શી રીતે આવું ? મારા પગ શે ઊપડે ? નીકર મોટા ભાઈ માંદા ને માંદા રેતા’તા ત્યારે મને કાઈ થોડું મન થયું હશે ? “ વાઘરીએ કહ્યું.
“તું આ બધું શુ બબડી રહ્યો છે, ઘેલા ? તને ક્યારે આપી’તી પાવલી ? ક્યારે આ બધું કહ્યું’તું ? કે જોડી કાઢ છ ને મને ઉઠા ભણાવ છ ?”