પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૪
વસુંધરાના વહાલાં-દવલાં
 

“ માતા લ્યે મને, જો હું ઉઠા ભણાવતો હોઈશ તો ! જાતરાએ જાતી જાતી ઈ મને કે’તી ગઈ’તી, બેય વાત કે’તી ગઈ’તી તે. અમે એની જૂની ઠીબમાં ચકલાને પાણી નાખવાનું તો ક્યારેય વીસર્યા નથી પણ આ બીજી વાત પાળવાના પગ નો’તા ઉપડ્યા બાપુ ! “

“ જાત્રાએ ? “ પ્રતાપ પોતાની સ્મૃતિ તાજી કરવા લાગ્યો. “ કોની જાત્રાએ ? “

“ ઈ.....ભાઈ....ભગત માણસ કે’તો’તો તે તેજુને અમારી દીકરી કરીને ડાકોરની જાતરાએ લઇ જાશું. અમનેય તે ઈમ થ્યું કે પ્રાછત કરી આવતી હોય તો અમારી નાતમાં ભેળવી લઈએ. માથે બદનામુ હોય ત્યાં સુધી તો.....”

ફૂલો બોલતો બોલતો બંધ પડી ગયો. એને મોડું મોડું ભાન આવ્યું કે પોતે જુના જખમના ટેભા ઉતરડ્યા હતા.

“ ફૂલા ભાભા ! “ પ્રતાપ શેઠ પોચા પડયા : “ તૂટક તુટક વાત છોડીને મને કડીબંધ આખી વાત કહીશ ? “

“ કઉં, ભાઈસા’બ ! કે’વામાં મને શો વાંધો છે ? પણ તમે મને...”

“ હું તને કાઈ નહિ કરું, ભાભા ! મારે એ આખી વાત સાંભળવી છે.”

ફૂલાએ માંડીને વાત કહી.

“ અત્યારે એ ક્યાં છે ? “

“ કાઈ પત્તો નથી. “

“ ઇન્દ્રનાગરના એ મકાનની તને ખબર છે ? “

“ મેં ફરી કે’દી જોયું નથી. “

“ મારી સાથે આવીશ ? આપણે ત્રાગડો મેળવવો છે. “

“ પણ બાપા ! “ ફૂલો ભયથી ધ્રુજી ઉઠ્યો : “ હવે ઈ ઈને રસ્તે ચાલી ગઈ. મરી ખૂટી હશે. જીવતી હોય તોય તમને વતાવતી નથી. હવે ઇના મૂળિયાં ખોદવાથી શો સાર ? ખમાં, ભાઈ બેઠા થયા છે ! એની માદળડીનું બા’નું તો બા’નુય જાળવી રાખો, બાપા ! એ દટાઈ ગઈ છે