પર ટોપી નહિ પણ કાંસાની થાળીઓ ઓઢી હતી. એના ઘૂઘરિયાળા પગ ઊંચા દોરાને માથે એ થાળીમાં ચડી લસરી શકતા હતા. એના મોં પરનું હસવું સર્વ મનોવેદનાને પાર કરી ગયેલું હતું. તસતસતી બંદીમાંથી બહાર પડતા એના ખભા સુધીના હાથ સંઘેડિયાના સંઘેડા પર ઊતરેલા સરીખા ઘાટીલા હતા. પણ એનું અખૂટ હાસ્ય ભયાનક હતું.
મદારી-કુટુંબમાં બીજી પણ એક વૃદ્ધિ થઈ હતી. રાતનબાઈ વાંદરીને આઠ વાસાનું બચ્ચું હતું. એ બચ્ચું ઘણું ખરું ઝંડૂરિયાના ખંધોલે જ બેઠું બેઠું એના માથા પરની થાળીમાં મૃદંગના બજવૈયાજેવી થાપીઓ મારતું હતું. બચ્ચાના મોંમાંથી પડી જતાં જમરૂખનો ટુકડો ઝંડૂરિયો મદારીની નજર ચુકાવીને આરોગી જતો.
એ આખી જમાત ભોગવા નદીને કિનારે અષાઢા મહિનાના એકા સ્વચ્છ દિવસે ચાલી આવતી હતી. ઊતરવાનો આરો થોડા ફેરમાં હતો. આ રો આવી પહોંચ્યો. સામી ભેખડે હજુ આ મદારી-કુટુંબ નહોતું ઊતર્યું ત્યાં ઝંડૂરિયાએ નદીના પટમાં સામેથી ચાલી આવતી એક સ્ત્રીને દેખી. સ્ત્રીની પછવાડે એક સાતેક વર્ષની છોકરી ચાલી આવતી હતી. સ્ત્રીને માથે લાકડાનો ગંજાવર ભારો હતો. ભારો જાણે કે એને માથે ઉપાડેલ હોય તે કરતાં એને માથે ચડી બેઠેલા હોય એવો હિંસક લાગતો. એના ઘૂંટણ સુધી પગ ઉઘાડા હતા, ને ઘૂંટણથી ઊંચે છાતી સુધીના દેહની ચાડી ખાતા લૂગડાંના લીરા લબડતા હતા. છોકરી ‘માં માં’ ના કિકિયારા પાડતી હતી, કેમકે એના પગ તળે ભોગવાની થાપા-ભૂંજેલી વેકૂરી છમ છમ ઊના દામ દેતી હતી.
“ત્યાં ઊભી રે’ , ઊભી રે’, હું સામે કાંઠે ઉતારીને તને તેડી જાઉં છું”, એટલું બોલતી બાઈએ વેગ કરીને ઊંટ ખૂમડે તેમાં વેકરો ખૂંદ્યો, પણ કાંઠાને પહોંચવાનું પંદર કદમનું જ જ્યારે અંતર રહ્યું ત્યારે એના પગ સરક્યા. પગ નીચે ફોડાનું જડબું આવ્યું. માથા પર લાકડાના ભારાએ ભીમસા કરીને ફોડાને યારી આપી. ઓ ગઈ ! ઓ ગઈ ! ક્યાં ગઈ એટલું