ઝંડૂર અજાયબ બન્યો. એણે મદારીની સામે જોયું. મદારીએ નીચા વળીને છોકરીને તેડી લીધી. એની આંખો તપાસી ચપટી વગાડી, આંખોની કીકીઓનું હલનચલન ત્યાં હસ્તી ધરાવતું નહોતું.
"અંધી છે, અંધી!" મદારીએ ઝંડૂરને કહ્યું.
છોકરીને સમજ પડી કે પોતાને તેડનાર મા નથી, પન કોઈક બિહામણા અવાજવાળો પુરુષ છે. એણે પોકર પાડ્યો : "મા, મા, માડી!"
"બસ," મદારીએ જીભ મોકળી મૂકી : "દુનિયાભરમાં મા વગર બીજો કોઈ બોલ સંભળાતો નથી. આખી દુનિયાની મા મરી ગઈ લાગે છે. 'મા, મા' કરવા બેસો છો પછેં માને પેટ અવતાર શા માટે લ્યો છો? મા મૂકીને ભાગી જાય છે ત્યારે તમને બધાંને મા માથે એવો પ્યાર ઊભરાઈ હાલ્યો છે? એટલા સાટુ તો હુંપરણ્યો જ નથી. હું પ્રણું તો જ મારે છોકરું થાય ને? ને છોકરું થાય તો એની મૂએલી કાં ભાંગી ગયેલી મા વાંસે એ રીડિયા પાડે ને?"
એવા થોડા બબડાટાએ એ ત્રણેને પાછાં સામી ભેખડે પહોંચાડી દીધાં - જ્યાં ગધેડો અવિચલિત જ્ઞાનભાવે આ ઘટનાનો સાક્ષી બની વીતરાગની દશામાં ઊભો હતો, ને જ્યાં વાંદરાએ વળી કોઈક નવા માનવીનો વધારો થઈ રહ્યો છે એ બીકે કૂદાકૂદ કરી મૂકી, જ્યાં રીંછણને નવા માનવ-માંસની તાજગીભરી સુગંધ આવવાથી એનું નાક હવા સામે ફાટી રહ્યું હતું.
"હવે?" મદારીએ તેડેલી છોકરીને પંપાળતા પંપાળત કહ્યું: "આ લપને ક્યાં નાખવી?"
"એનો બાપ નહિ હોય?" ઝંડૂરિયાએ તપાસમાં ઊતરવા ઇંતેજારી બતાવી.
"એના બાપને ગોતવાય આપણે જાવું?"
"આહીં બીજું કોઈ નથી."
"એટલે? આપણે આંહી નીકળ્યા એ શું આપણો ગુનો? તું બેવકૂફ