પૃષ્ઠ:Vasundharana Vahala Dawala.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૧
વસુંધરાના વહાલાં-દવલાં
 

બોલાવીને ઊભો કરવા મથતો એક ખેડૂત આ સાદ સાંભળવાની એટલી પણ ખેવના કરતો નહોતો - જેટલી એ ખેવના ખુદ ભોગાવાને હૈયે હતી. નદી તો સામો પડછંદો પણ પાડતી હતી.

"એ...હેઈ...જુવાન!" ડોસાએ બીજી બુમ પાડી.

ખેડૂતે સામે જોઈને આવવનો ઇશારો કર્યો. જર હાથ હલાવીને પાછો એ બળાને લાતો મારવા મંડી પડ્યો. ભોગવા નદીની ભેખડો એ લાતોના પડઘા ઝીલતી હતી.

"લે, જો, ઝંડૂરિયા" મદારીએ છોકરાને મહેણું દીધું : "એને કેટલી અક્કલ છે ! પારકી પંચાતમાં એ પડે છે? તારી જ અક્કલ કીડા ખાઈ ગયા છે. રાખ અંધીને અહીં, હું જઈ આવું. તારે તો ખીખી દાંત જ કાઢવા છે ને?"

મદારી ખેડૂતને મળવા ચાલ્યો ત્યારે ઝંડૂરે રડતી છોકરીને ઝોળી પર બેસાડી, હાથમાં ઘૂઘરા બાંધ્યા, ને ઢોલક બજાવવા માંડ્યું. મા વિનાની છોકરીને કાને ઢોલક-ઘૂઘરાના ગૂંથેલા ધમકાર પડ્યા. એ છાની રહી. એને મા મરી ગયાની સાન નહોતી. મા હજુ લાકડા વીણતી હશે.

તત્ત્વજ્ઞાની ગધેડો તો લલિતકળાઓથી અલિપ્ત રહીને ચિંતન કરતો રહ્યો. રીંછણ એનાં કાળાં રૂંવાંમાં દાંત પેસાડીને ગીંગોડા કરડવા લાગી. રતનબાઈ બચ્ચાને છાતીએ વળગાડીને એના માથાની જૂઓ જોવા બેઠી. રતનિયો ભાભો કલાનો પ્રેમી હતો એટલે ઊઠીને બે પગે ચક્કર મારવા લાગ્યો.

મદારી ખેડુ પાસે પહોંચ્યો કે તુરત ખેડુએ પૂછ્યું : "બીડી છે?"

"અરે ભલા આદમી, તારા ગામની એક બાઈ ફોડામાં ગારદ થઈ ગઈ. એની છોકરી રુએ છે."

"તેમાં આપણે શું કરશું, ભાભા?" ખેડૂતે નિર્મમતા કેળવી હતી. "આ ઢાંઢાને ઊભો કરવા લાગશો?"

"પણ છોકરીનું શું કરવું? એ અંધી મૂઈ છે. "

"આંધળી છોકરી છે ને? ઓળખી ! એના મા અમારા ગામની